ફૂકુશિમાના કાટમાળમાંથી રોબોટે પ્રથમવાર રેડિયો એકટિવ ટુકડો શોધ્યો
૧૩ વર્ષ પછી પ્લાન્ટની અંદરના રેડિયો એકટિવને કાઢવામાં સફળતા મળી
રેડિયો એકિટવનો મળી આવેલો ટુકડો અંદાજે ૫ મિલીમીટરનો છે
ટોક્યો,૬ નવેમ્બર,૨૦૨૪,બુધવાર
૨૦૧૧માં આવેલા સુનામી પછી જાપાનમાં ફુકુશિમા દાઇચી ન્યૂકલિયર પ્લાન્ટ પર ભયંકર અકતસ્માત થયો હતો. આ ઘટનાના ૧૩ વર્ષ પછી રોબોટની મદદથી પ્લાન્ટની અંદરના રેડિયો એકટિવના કાળમાળના નાના ટુકડાને બહાર કાઢવામાં સફળતા મળી છે. આ કાર્ય ન્યૂકલિયર પ્લાન્ટની જટિલ સફાઇનો જ એક ભાગ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ટોકયોની એક ઇલેકટ્રિક કંપની ફુકુશિમા પ્લાન્ટની સફાઇની જવાબદારી સંભાળી રહી છે. કંપનીએ ફિશિંગ રોડ નામના રોબોટની મદદ લઇને રેડિયો એકટિવ શોધવાનો નિર્ણય લીધો હતો. રેડિયો એકિટવનો મળી આવેલો ટુકડો અંદાજે ૫ મિલીમીટરનો છે. આ ટુકડો ન્યૂકલિયર રિએકટર નંબર ૨ના કાટમાળના ઢગલામાંથી શોધાયો હતો. અત્યાર સુધી રેડિયો એકિટવનો ટુકડો રિએકટરની અંદર બંધ પડયો હતો.
૨૦૧૧માં ભૂકંપ અને સુનામીના લીધે ફુકુશિમાના ત્રણ રિએકટરોમાં રેડિએશન ફેલાયું હતું. ત્યાર પછી જાપાનની સરકારે રિએકટરની સફાઇ અને ડી-કમીશનિંગ માટે અનેક રોબોટિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે રેડિએશનના ખતરનાક પ્રમાણને જોતા આ કામ હંમેશા પડકારજનક રહયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એક ખાસ પ્રકારના રોબોટ ટેલિસ્કોની મદદથી સફાઇકામ ચાલતું હતું.
આમ તો ઓગસ્ટમાં જ મિશન પૂર્ણ થવાનું હતું પરંતુ કેટલીક ગંભીર પ્રકારની ટેકનિકલ ખામીઓ ઉભી થતા વિલંબમાં મુકાયું હતું. ખાસ કરીને રોબોટના કેમેરામાં વારંવાર ટેકનિકલ ખરાબી આવતી હતી. મળી આવેલા નમૂનાની મદદથી રેડિએશનનું સ્તર અને રિએકટરની અંદરની પરિસ્થિતિ અંગે મહત્વની જાણકારી મળી શકે છે. આ નાનો ટુકડો અણુ સંશોધન અને રેડિયો એકટિવને સમજવા માટે ખૂબ મદદ કરશે.
નિષ્ણાતોનું માનવું છે કે અણું રિએકટરની સફાઇ અને ડી કમિશનિંગની પ્રોસેસ ખૂબ લાંબા સમય સુધી ચાલી શકે છે. કેટલો સમય ચાલશે તે કહેવું અત્યંત મુશ્કેલ છે કારણ કે ફુકુશિમામાં રેડિએશનના લીધે પ્લાન્ટનની સફાઇ દુનિયાનું સૌથી પડકારજનક કામ બન્યું છે. ૨૦૧૨માં જાપાને સફાઇ માટે અંદાજે ૩૦ થી ૪૦ વર્ષ નકકી કરવામાં આવ્યા હતા પરંતુ આ સમય અવધીમાં સંપૂર્ણ કામ પાર પડે તેવી શકયતા ધૂંધળી છે.