સઉદી અરબસ્તાનમાં માર્ગ અકસ્માત : 9 ભારતીયોનાં મૃત્યુ : જિદ્દાહસ્થિત ઉપદૂતાવાસ મૃતકોનાં કુટુમ્બના સંપર્કમાં
- વિદેશ મંત્રી એસ.જયશંકરે ઘેરૂં દુ:ખ વ્યક્ત કર્યું : સઉદી અરબસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં જીઝાન પાસે અકસ્માત થયો હતો
જેદ્દાહ : સઉદી અરબસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં જીઝાન પાસે થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૯ ભારતીયોનાં મૃત્યુ થયાં હતાં. બુધવારે જીદ્દાહ સ્થિત ભારતીય ઉપદૂતાવાસે આ માહિતી આપી હતી. આ સાથે ઉપદૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે અમે તે મૃતકોનાં સગાં વહાલાંના સંપર્કમાં છીએ. આ ઉપરાંત ઉપદૂતાવાસે પોસ્ટ ઠ ઉપર જણાવ્યું હતું કે જીઝાન નજીક થયેલા આ ગમખ્વાર બનાવથી અમો ઘણા વ્યથિત થયા છીએ.
ઉપદૂતાવાસનું નિવેદન વધુમાં જણાવે છે કે : જિદ્દાહ સ્થિત ઉપ રાજદૂત તમામ સહાય પહોંચાડી રહ્યા છે, અને તે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પૂરી અને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી શુભેચ્છા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓ વિષે વધુ માહિતી મેળવવા તેમજ ઇજાગ્રસ્તોનાં કુુુટમ્બીજનોને પણ સહાયભૂત થાય તે માટે અમે એક હેલ્પ લાઈન શરૂ કરી દીધી છે.
આ સમાચાર ઠ પોસ્ટ પર મળતાં વિદેશમંત્રી એસ.જયશંકરે લખ્યું હતું કે આ અકસ્માત અને તેમાં થયેલાં મૃત્યુના સમાચારો જાણી ઘણું દુ:ખ થયું છે. મેં જિદ્દાહ સ્થિત ઉપરાજદૂત સાથે વાત પણ કરી છે. તેઓ મૃતકો તેમજ ઇજાગ્રસ્તોનાં કુટુમ્બીજનોનાં સંપર્કમાં છે, અને ઇજાગ્રસ્તોને પૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તેઓએ સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે.
ઉલ્લેખનીય તે છે કે વિદેશોમાં થતી આવી દુર્ઘટનાઓ અંગે હંમેશાં ભારતીય દૂતાવાસ કે ઉપદૂતાવાસ ઝડપભેર સક્રિય બની જાય છે અને ઇજાગ્રસ્તોને પૂરી તથા યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવે છે. તેમનાં અને મૃતકોનાં સંબંધીઓ માટે હેલ્પલાઈન તુર્ત જ સક્રિય કરે છે.