પરમાણુ શસ્ત્રના ઉપયોગનું જોખમ વધી ગયું છે, રશિયાના અધિકારીની યુ.એસ. અને સાથીઓને ચેતવણી
- યુક્રેનને અપાતાં શસ્ત્રો તાલિબાનને પહોંચે છે
- નિકોલાઈ પાટ્રુશેવે રશિયાનાં પરમાણુ વિદ્યુત મથકો પર યુક્રેને હુમલાનો પ્રયાસ કરતાં આટલા ઉગ્ર પ્રત્યાઘાતો આવ્યા
મોસ્કો : રશિયાની સલામતી સમિતિના મહામંત્રી નિકોલાઈ પાટ્રુશેવે બુધવારે ચેતવણી ઉચ્ચારી હતી કે પશ્ચિમની વિનાશક નીતીઓએ પરમાણુ રાસાયણિક કે જૈવિક શસ્ત્રોના ઉપયોગનું જોખમ વધારી દીધું છે.
પ્રમુખ પુતિનના નિકટવર્તી સાથીને ટાંકતાં રશિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી તાસ જણાવે છે કે આ સાથે પાટ્રુશેવે જણાવ્યું હતું કે (આ યુદ્ધમાં) પરમાણુ, રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના ઉપયોગની સંભાવના વધી રહી છે. ત્યાં અંતરરાષ્ટ્રીય શસ્ત્ર નિયમનો ભંગ પણ થવાની પૂરી શક્યતા છે.
આ સાથે પાટ્રુશેવે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેને રશિયાના ત્રણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટસ ઉપર હુમલા કરવાના પ્રયાસો કર્યા હતા. જ્યારે મોલ્ડોવા તો તેનું સાર્વભૌમત્વ ગુમાવવાના માર્ગે છે, તે પશ્ચિમના સંસ્થાનવાદનું એક વધુ બલિ બની જવાનું છે.
આ પૂર્વે મંગળવારે સાંજે પ્રમુખ પુતિને કહ્યું હતું કે પશ્ચિમના દેશોએ યુક્રેનને આપેલાં શસ્ત્રો, ગેરકાયદે શસ્ત્ર સોદાગરો દ્વારા મધ્ય-પૂર્વમાં પહોંચી રહ્યાં છે. અને આ તાલિબાનોને પણ વેચવામાં આવે છે.
ગત વર્ષે ૨૪ ફેબુ્રઆરીએ રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં અબજો ડોલરનાં શસ્ત્રો રશિયાને હરાવવા માટે યુક્રેનને આપ્યાં છે. યુક્રેન કહે છે કે તે તેને મળેલાં શસ્ત્રો ઉપર કડક અંકુશ રાખે છે. પરંતુ તે સત્ય નથી. વાસ્તવમાં યુક્રેનના જ ભ્રષ્ટાચારી અધિકારીઓ આ શસ્ત્રો વેચી રહ્યા છે.
જૂન ૨૦૨૨માં ઇન્ટર પોલના સેક્રેટરી જનરલ જુર્ગેન સ્ટોકે પણ ચેતવણી આપી હતી કે યુક્રેનને અપાયેલાં કેટલાંક શસ્ત્રો સુવ્યવસ્થિત અપરાધી જૂથોના હાથમાં પડવાની સંભાવના છે.