હું પાકિસ્તાની અને મુસ્લિમ હોવાથી સુનકની પાર્ટી મને ટાર્ગેટ કરી રહી છેઃ લંડનના મેયર સાદિક ખાન
image : Socialmedia
લંડન,તા.2 માર્ચ 2024,શનિવાર
લંડનના મેયર સાદિક ખાન પર તાજેતરમાં વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીના સાંસદે એક વાંધાજનક ટિપ્પણી કરી હતી અને તેના માટે માફી માંગવાનો પણ ઈનકાર કર્યો હતો.
હવે સાદિક ખાને તેનો વળતો જવાબ આપતા કહ્યુ છે કે, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ મને ટાર્ગેટ બનાવી રહ્યા છે કારણકે હું પાકિસ્તાની મૂળનો છે અને મારા પર રંગભેદી ટિપ્પણીઓ થઈ રહી છે. આ હુમલાને સુનકનુ સમર્થન છે.
પાકિસ્તાનની ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સાદિક ખાને કહ્યુ હતુ કે, કન્ઝર્વેટિવ પાર્ટીના સુએલા બ્રેવરમેન, લી એન્ડરસન, લિઝ ટ્રિસ તથા બીજા નેતાઓ દ્વારા બ્રિટિશ મુસ્લિમો સામે સાવ ખોટા અને ખતરનાક દાવા કરવામાં આવ્યા છે.
સાંસદ એન્ડરસને તાજેતરમાં કહ્યુ હતુ કે, સાદિક ખાન કટ્ટરવાદીઓના કંટ્રોલમાં છે અને તેના પર વળતુ નિવેદન આપતા સાદિક ખાને આગળ કહ્યુ હતુ કે, કમનસીબે આ પ્રકારની વાતોને કન્ઝર્વેટિવ પાર્ટી પ્રોત્સાહન પણ આપી રહી છે. મુસ્લિમો માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો હું પાકિસ્તાન અને મુસ્લિમ ના હોત તો મારા પર આ પ્રકારના આરોપ ક્યારેય ના લાગ્યા હતા.
તેમણે આગળ કહ્યુ હતુ કે, લંડનનુ ઈસ્લામિકરણ થઈ રહ્યુ છે અને મુસ્લિમો લંડન પર કબ્જો જમાવવા માંગે છે તે પ્રકારના આરોપ સાવ ખોટા અને ખતરનાક પણ છે. આ પ્રકારના આરોપ બિન મુસ્લિમ સમુદાયોમાં મુસ્લિમો સામે ડર પેદા કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, બ્રિટનના મુસ્લિમો સમાજની મુખ્ય ધારામાં ભળી ગયા છે. મુસ્લિમો શિક્ષણ માટે સ્કૂલો અને યુનિવર્સિટીમાં જાય છે. કામ કરે છે અને ટેકસ પણ આપે છે. આમ છતા મુસ્લિમ સમુદાયને આશ્ચર્ય થાય છે કે, અમને ક્યારે સ્વીકારવામાં આવશે...
ઉલ્લેખનીય છે કે, સાદિક ખાન વિપક્ષી લેબર પાર્ટીના નેતા છે અને લંડનમાં ફરી મેયરની ચૂંટણી થવાની છે તે પહેલા જ તેમણે પાકિસ્તાની ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો છે.
સાદિક ખાને કહ્યુ હતુ કે, સાંસદ એન્ડરસને મારા પર જે ટિપ્પણી કરી છે તેના એક સપ્તાહ પણ પછી પણ રુષિ સુનકે તેમને ઈસ્લામોફોબિક નથી ગણાવ્યા. જો આ શબ્દથી તેમને વાંધો હોય તો તેઓ તેમને એન્ટી મુસ્લિમ પણ કહી શકે છે અને સુનક સારી રીતે આ વાતને જાણે છે. મતદારોને ડરાવવા માટે મુસ્લિમો અને પાકિસ્તાની મૂળના લોકો સામે નિવેદન આપવામાં આવી રહ્યા છે.