બ્રિટનમાં રમખાણ, યોગ ક્લાસ પર હુમલાથી મામલો બીચક્યો, 3 બાળકોના મૃત્યુ, મસ્જિદ પર પથ્થરમારો
Image: Facebook
Britain Riots: બ્રિટનના પશ્ચિમોત્તર વિસ્તારના શહેર સાઉથપોર્ટમાં યોગ ક્લાસ દરમિયાન ચાકુથી એક હુમલાખોરે હુમલો કરી દીધો હતો. તેણે બે માસૂમ બાળકોની ચાકુથી હત્યા કરી દીધી. મંગળવારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત વધુ એક બાળકીએ અંતિમ શ્વાસ લીધા. આ ઘટના અંગે બ્રિટનમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. મંગળવાર રાતથી જ સાઉથપોર્ટમાં હુલ્લડ મચી ગયું છે. તેમાં અત્યાર સુધી 53 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે તો ત્રણ પોલીસ ડોગ પણ હિંસામાં ઘાયલ છે. આ હુલ્લડ તે વિસ્તારમાં થયું, જ્યાં 13 લોકો પર ચાકુથી હુમલો થયો હતો.
આ હુલ્લડ મંગળવારની રાત્રે પોણા આઠ વાગ્યાથી શરૂ થયું, જ્યારે એક મસ્જિદની બહાર ભીડ એકઠી થઈ. ઈંગ્લિશ ડિફેન્સ લીગ સંગઠન સાથે જોડાયેલા અમુક લોકોએ મસ્જિદ પર પથ્થર ફેંક્યા અને પછી જોતજોતામાં સ્થિતિ બગડી ગઈ. આ દરમિયાન પોલીસ પહોંચી તો તેની પર પણ હુમલો કરવામાં આવ્યો. પોલીસ પર બોટલો અને ઈંટોથી હુમલો કરવામાં આવ્યો. જેમાં ઘણા લોકો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘણા ઉપદ્રવીઓએ તો પોલીસની વાનમાં પણ આગ લગાડી દીધી. સામાન્યરીતે બ્રિટનમાં આવી ઘટનાઓ થતી નથી પરંતુ ગત દિવસોમાં લીડ્સમાં ભડકેલી હિંસા અને હવે સાઉથપોર્ટની સ્થિતિએ તંત્રની ચિંતા વધારી દીધી છે.
ઘટના સ્થળે આવેલી પોલીસ પર હુમલો કરવા માટે ઉપદ્રવીઓએ એક દિવાલ ધ્વસ્ત કરી નાખી અને પછી તેમાંથી ઈંટો કાઢીને હુમલો કરવા લાગ્યા. આ દરમિયાન લોકો એ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં કે આપણે દિકરીઓને બચાવવાની છે. આ હિંસાના મામલે 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ દરમિયાન સાઉથપોર્ટ મસ્જિદના ચેરમેન ઈબ્રાહિમ હુસૈને કહ્યું કે આ હિંસા પરેશાન કરનારી છે. તેમણે કહ્યું કે અમને તો એવું લાગતું હતું કે આ લોકો અંદર સુધી જતાં રહેશે અને મસ્જિદને પણ આગ લગાડી શકે છે. તેમણે પોલીસને પણ અપીલ કરી કે તેઓ કહી દે કે ચાકુબાજી કરનાર મુસ્લિમ નહોતો. તેનાથી ભડકેલા લોકો થોડા શાંત થઈ જશે અને મુસ્લિમોને ટાર્ગેટ કરશે નહીં.
બ્રિટન પોલીસે આરોપીની ઓળખ જણાવી નહીં
બ્રિટન પોલીસે અત્યાર સુધી કાયદાકીય કારણોસર શંકાસ્પદની ઓળખને ઉજાગર કરી નથી. કહેવાઈ રહ્યું છે કે આરોપીનો જન્મ કાર્ડિફમાં થયો હતો અને તેના માતા-પિતા રવાંડા મૂળના છે. પોલીસનું માનવું છે કે આરોપી વિશે ઓનલાઈન જ ખોટી જાણકારી શેર થઈ અને તેનાથી જ ભડકેલા લોકોએ હુલ્લડને અંજામ આપ્યું. બ્રિટનના નવા પીએમે પણ આ મામલે વિરોધ વેઠવો પડ્યો. તેઓ જ્યારે પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા તો બૂમો પાડી રહ્યાં હતાં કે આખરે કેટલા બાળકો આવી રીતે મરી જશે. આગામી નંબર કોનો છે. જોકે કીર સ્ટાર્મરે આ વિરોધ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.