બાંગ્લાદેશમાં રમખાણકારોએ પ્રમુખના પેલેસને ઘેર્યો ત્યાગપત્ર માંગ્યું : નવા સંવિધાનની માંગણી કરે છે
- બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાત દેશને ધમરોળે છે
- પ્રમુખ શહાબુદ્દીનને શેખ હસીનાએ નિયુક્ત કરવ્યા છે તે તેના પીઠ્ઠુ છે 2018 અને 2024માં થયેલી ચૂંટણી રદ જાહેર કરો તે સાંસદોને રદ કરો : રમખાણકારોની આવી ઘણી માગણીઓ છે
ઢાકા : બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રેરિત રમખાણોએ ભારત તરફી વડાપ્રધાન શેખ હસીનાને ત્યાગપત્ર આપી ભારતમાં રાજ્યાશ્રય લેવો પડયો છે, તેમ છતાં આ રમખાણો તદ્દન શમ્યાં નથી. મંગળવારે રાત્રે અચાનક તે ફ્રેન્કેસ્ટાઇન જાગી ઉઠયો અને રમખાણકારોએ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનના પેલેસ બંગભવનને ઘેરી, તેઓનું ત્યાગપત્ર માંગ્યું હતું. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, 'આ પ્રમુખ તો શેખ હસીનાએ નિયુક્ત કરાવ્યો છે, તે તેનો પીઠ્ઠુ છે તેણે ત્યાગપત્ર આપવું જ જોઈએ.'
વાસ્તવમાં ઓગસ્ટ મહિનામાં 'અનામત' બેઠકોના મુદ્દે શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનમાં પાકિસ્તાન પ્રેરિત લોકો પણ જોડાતાં જે વ્યાપક રમખાણો ફાટી નીકળ્યાં તેથી શેખ હસીનાને ૫મી ઓગસ્ટે ત્યાગપત્ર આપી ભારત જતાં રહેવું પડયું હતું તે સર્વવિદિત છ.
આ પછી ગઈકાલથી રમખાણોનો બીજો દોર 'અચાનક' શરૂ થઈ ગયો. પોલીસ અને લશ્કરે બેરિકેડ્ઝ કરી તોફાનીઓને અટકાવ્યા હતા. તેથી તેઓ બેરિકેડઝ બહાર બેસી 'યુપ્પુ'નાં ઉપનામથી જાણીતા થઈ રહેલ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનાં ત્યાગપત્રની માંગણી કરતી નારાબાજી શરૂ કરી હતી.
આ રમખાણકારોએ તેઓની પાંચ માંગણીઓ રજૂ કરી હતી તે પ્રમુખનાં ત્યાગપત્રની માંગણી ઉપરાંતની હતી. તેમાં ૧૯૭૨નું સંવિધાન રદ કરવું, (૨) ૨૦૨૪માં બનેલી ઘટનાઓને કેન્દ્રમાં રાખી નવું સંવિધાન ઘડવું, (૩) આવામી લીગ શેખ હસીનાની પાર્ટીનું છાત્ર સંગઠન 'બાંગ્લાદેશ છાત્ર લીગ' પ્રતિબંધિત કરવી. (૪) શેખ હસીના વડાપ્રધાન હતાં તે દરમિયાન યોજાયેલી ૨૦૧૮ અને ૨૦૨૪ની ચૂંટણી રદ જાહેર કરવી તેમાં ચૂંટાયેલા સાંસદોનું સાંસદપદ રદ કરવું અને (૫) જુલાઈ ઓગસ્ટનાં આંદોલનોને ધ્યાનમાં રાખી નવું પ્રજાસત્તાક જાહેર કરવું. (એટલે કે ઈસ્લામિક રીપબ્લિક ઓફ બાંગ્લાદેશ તેમ જાહેર કરવું).
તે સર્વવિદિત છે કે તે સમયનાં પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના પઠાણ સૈનિકોએ ચલાવેલી જોહુકમી બાંગ્લા ભાષાને સ્થાને ઉર્દૂ ફરજિયાત બનાવવા સરકારમાં લગભગ તમામ ઉચ્ચપદોએ પંજાબીઓને જ નિયુકત કરવા અને પાકિસ્તાનની ફેડરલ ગવર્નમેન્ટ દ્વારા અપાતી નગણ્ય આર્થિક ફાળવણી સામે ૧૯૭૧માં થયેલાં રમખાણો અને તેમાં ભારતીય સૈન્યે બાંગ્લાદેશનાં સ્વયંસેવકદળ 'બંગવાહીની'ને કરેલી સહાયને લીધે તો 'સ્વતંત્ર' બાંગ્લાદેશનું સર્જન થયું હતું. ભારતે તેને આર્થિક તથા અન્નની પણ સહાય કરી હતી. નવોદિત 'બાંગ્લાદેશ'ને સૌથી પહેલી રાજકીય સ્વીકૃતિ ભારતે જ આપી હતી અને પછી ઈંગ્લેન્ડ તથા અમેરિકા સહિતના દેશો પાસે સ્વીકૃતિ અપાવી હતી તે બધું જ ભૂલવાડી પાકિસ્તાન દ્વારા પ્રેરિત તત્વોએ 'અનામત'નાં નામે તોફાનો ચગાવ્યાં. શેખ હસીનાએ તે સ્વાતંત્ર્ય યુદ્ધમાં શહીદ થયેલા અને તેમાં ભાગ લીધેલાઓનાં સંતાનોને શિક્ષણ તથા સરકારી નોકરીઓમાં અનામત આપવાની કરેલી જાહેરાત સામે પાક. તરફી તત્ત્વોએ રમખાણો જગાવ્યાં હતાં. ઉભા કરાયેલાં વિદ્યાર્થી આંદોલને વ્યાપક સ્વરૂપ લીધું ૭૬ વર્ષીય શેખ હસીના ભારત ચાલ્યાં ગયા. તારીખ હતી ૫ ઓગસ્ટ, ૮મી ઓગસ્ટે અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મેળવનાર મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચી પોતે વડાપ્રધાન થયા તે પદ ઉપર તેઓને પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને જ નિયુક્ત કર્યા હતા તે આ આંદોલનકારીઓ ભૂલી ગયા છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાએ આર્થિક મુશ્કેલી ઉભી કરી છે. તેમજ ચોખાનો કોઠાર કહેવાતા આ દેશમાં અનાજની તંગી ઉભી થઈ ગઈ છે છતાં આંદોલન શમતા નથી.