ચીન વિરોધી જમણેરી નેતા જેવિયર માઈલી આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ, કરવત સાથે રાખી ચૂંટણી પ્રચાર કરતા હતા
image : Twitter
બ્યુએન એરિસ,તા.20 નવેમ્બર 2023,સોમવાર
ચીન પ્રત્યે ભારોભાર નફરત ધરાવતા જમણેરી નેતા જેવિયર માઈલી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ પદો માટેની ચૂંટણી જીતી ગયા છે.તેઓ આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ બનશે.
હાલમાં આર્જેન્ટિનાની આર્થિક સ્થિતિ સારી નથી અને જેવિયરે દેશની જનતાને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટેના મોટા વાયદા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યા હતા. જેમાં આર્જેન્ટિનાની રિઝર્વ બેન્કનો ભંગ કરીને નવી આર્થિક વ્યવસ્થા લાગુ કરવાના વચનનો પણ સમાવેશ થાય છે.
મતદાન બાદ જાહેર થયેલા પરિણામો અનુસાર આ ચૂંટણીમાં જેવિયરને 56 ટકા મત મળ્યા છે. તેમણે આર્જેન્ટિનાના પૂર્વ નાણા મંત્રી અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સર્જિયા માસાને હાર આપી હતી. માસાને 44 ટકા મત મળ્યા હતા.
જેવિયરના સમર્થકોએ જીતની ઉજવણી શરુ કરી દીધી છે અને આર્જેન્ટિનાની રાજધાનીમાં હજારો લોકોએ વિજય સરઘસ કાઢીને આતશબાજી પણ કરી હતી. જેવિયરની ગણના આર્જેન્ટિનાના કટ્ટર જમણેરી નેતાઓમાં થાય છે. તેઓ 63 વર્ષીય નેતા છે અને આર્જેન્ટિનાની ઈકોનોમીને શોક આપીને પાટા પર લાવવાની વાત પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કરી ચુકયા છે. તેઓ ગર્ભપાતના કાયદાનો પણ વિરોધ કરે છે. ગન રાખવાના નિયમોમાં પણ છૂટછાટ આપવાના પક્ષમાં છે. તેઓ સેક્સ એજ્યુકેશનના પણ વિરોધમાં છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન જેવિયર ઘણી વખત હાથમાં કરવત સાથે નજરે પડ્યા હતા. જેના થકી તે આર્થિક મોરચે ભારે કાપકૂપ કરવાનો સંદેશો આપતા હતા. જોકે એ પછી પોતાની ઈમેજને નુકસાન થવાના ડરથી જેવિયરે સભાઓમાં કરવત સાથે રાખવાનુ બંધ કર્યુ હતુ.
જેવિયર ચીન વિરોધી તો મનાય છે પણ સાથે સાથે બ્રાઝિલના પણ પ્રખર ટીકાકાર છે. તેમનુ કહેવુ છે કે, હું કોઈ પણ કોમ્યુનિસ્ટ દેશ સાથે સોદો નહીં કરુ.