ખુરશી જોખમમાં મૂકાતી જોઈને ટ્રુડો મીટિંગમાં રડી પડ્યા, ત્રણ બાળકના નામ લઈને કરી ભાવુક અપીલ
PM Trudeau Gets Emotional On Ultimatum: ભારત પર આક્ષેપો કરી સંબંધો બગાડનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર મુશ્કેલીઓના વાદળો ઘેરા બન્યા છે. તેમની ખુરશી જોખમમાં છે. ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના જ સાંસદો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. લિબરલ સાંસદોએ તેમને 28 ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. જસ્ટિન ટ્રુડોનું રાજકીય ભાવિ જોખમમાં મુકાયું છે. તે હવે પોતાની ખુરશી બચાવવા માટે પોતાના જ બાળકોની જ દુહાઈ આપી રહ્યા છે.
ટ્રુડો પોતાના બાળકો માટે રડવા લાગ્યા
રાજીનામાની માંગ સાંભળીને ભાવુક જસ્ટિન ટ્રુડો સભામાં જ પોતાના બાળકો માટે રડવા લાગ્યા. સૂત્રોનું કહેવું છે કે ટ્રુડોએ સાંસદોને જણાવ્યું કે, તેમની લાંબી રાજકીય કારકિર્દી બાદ આ રીતે અંતની અસર તેમના ત્રણ બાળકો પર પડશે. આટલુ બોલતાં જ તેઓ ભાવુક પણ થઈ ગયા હતાં. ટ્રુડોએ તેમના સંસદીય જૂથને કહ્યું છે કે એક નેતા તરીકે તેમની લાયકાત અંગે તેમની ચિંતાઓ સાંભળ્યા પછી તેમને કંઈ નહીં તો પોતાના બાળકોને ધ્યાનમાં રાખતાં વિચારવા માટે થોડો સમય આપવો જોઈએ.
આ પણ વાંચોઃ કેનેડાના PM ટ્રુડો ફરી મુશ્કેલીમાં, સાંસદોની રાજીનામાની માગ, 28 ઓક્ટોબર ડેડલાઈન આપી
28 ઓક્ટોબર સુધી રાજીનામું આપવાનું અલ્ટિમેટમ
23 ઓક્ટોબરના રોજ લિબરલ સાંસદોની બેઠક યોજાઈ હતી. તે બેઠકમાં જસ્ટિન ટ્રુડોની ખુરશી છીનવી લેવા ચર્ચા થઈ હતી. તેમજ 28 ઓક્ટોબર સુધી રાજીનામું આપી દેવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. સાંસદોએ કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં નક્કી કરો કે તમે નેતા બનવા માંગો છો કે પછી પરિણામ ભોગવવા તૈયાર રહો. લિબરલ પાર્ટીના સાંસદોએ જસ્ટિન ટ્રુડોને ચોથી વખત વડાપ્રધાન પદ માટે ચૂંટણી નહીં લડવા જણાવ્યું છે. પાર્ટીના લગભગ 24 સાંસદોએ ટ્રુડોને હટાવવાની માંગ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
ટ્રુડો પર સંકટના વાદળો
ટ્રુડો વિરોધી સાંસદો લાંબા સમયથી ગુપ્ત બેઠકો કરી રહ્યા હતા. તેઓ કોકસના સભ્યોને એક કરવા માંગતા હતા જેથી કરીને જસ્ટિન ટ્રુડોને વડાપ્રધાન પદ પરથી હટાવી શકાય અને પાર્ટીને ચૂંટણીમાં હારથી બચાવી શકાય. લગભગ નવ વર્ષ સુધી સરકારમાં રહ્યા બાદ જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી સત્તાધારી લિબરલ પાર્ટી સામે 19 પોઈન્ટની લીડ ધરાવે છે. આગામી ચૂંટણી પછી ડઝનબંધ લિબરલ સાંસદોએ તેમની બેઠકો ગુમાવવી પડી શકે છે. તેને જોતાં 24 જેટલા લિબરલ સાંસદોએ ટ્રુડોને પદ છોડવાની માંગ કરતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.
3 કલાક સુધી બેઠકમાં ટ્રુડો ભાવુક રહ્યા
આ બેઠક લગભગ ત્રણ કલાક ચાલી હતી. બંધ દરવાજા પાછળ લાગણીશીલ બનેલા જસ્ટિન ટ્રુડો જ્યારે બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર ખોટું સ્મિત હતું. પણ ખુરશીનું ટેન્શન સ્પષ્ટ દેખાતું હતું. મીટિંગ પછી બહાર આવતાં તેમણે મીડિયાને માત્ર એટલું જ કહ્યું કે લિબરલ્સ 'મજબૂત અને એકજૂટ' છે. આ સિવાય ટ્રુડોએ પત્રકારોના કોઈપણ સવાલનો જવાબ આપ્યો ન હતો. રસપ્રદ વાત એ છે કે છેલ્લા 100 વર્ષમાં કેનેડામાં કોઈ પણ વડાપ્રધાન સતત ચાર વખત આ પદ સંભાળી શક્યા નથી.