રીપબ્લિકન્સે સેનેટમાં પણ બહુમતી મેળવી 4 વર્ષ પછી પહેલીવાર ઊપલું ગૃહ હસ્તગત કર્યું
- દુનિયાભરમાં જમણેરી, કટ્ટરપંથી ઝૂકાવ વધ્યો છે
- 100 સાંસદોનાં ઉપલાં ગૃહમાં રીપબ્લિકન્સની સંખ્યા 51ની થઇ, ડેમોક્રેટસ 42, 7 અન્યના નાના ઇન્ડિપેન્ડન્સ પક્ષોના સભ્યો છે
વૉશિંગ્ટન : એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે નિર્વાચિત થયા છે ત્યારે તેઓની પાર્ટી રીપબ્લિકન્સે અમેરિકાની કોંગ્રેસનાં ઉપલાં ગૃહ સેનેટમાં, ૧૦૦માંથી ૫૧ બેઠકો હાથ કરી ગૃહ ઉપર કબ્જો જમાવી દીધો છે. આનું એક પરિણામ એ પણ આવે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદેથી જે માગણીઓ સંસદમાં રજૂ કરે તે સરળતાથી પસાર થઇ શકશે. નીચલાં ગૃહ હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્સમાં તો રીપબ્લિકન્સની બહુમતી છે.
અમેરિકાનું સંવિધાન શુદ્ધ સમવાય તંત્રી સંવિધાન છે. ત્યાં ન્યૂયોર્ક જેટલું નાનું રાજ્ય હોય કે ટેક્સાસ જેટલું વિસ્તાર રાજ્ય હોય, દરેક બે સેનેટર્સ સેનેટમાં મોકલે છે. હવે વર્તમાન સાંસદ સંખ્યા આ પ્રમાણે છે. રીપબ્લિકન્સ ૫૧, ડેમોક્રેટસ ૪૨ તથા અન્ય ૭. આ પૂર્વેની સ્થિતિ જોઇએ તો રીપબ્લિકન્સ પાસે માત્ર ૩૮ બેઠકો જ હતી. ડેમોક્રેટસ પાસે ૨૮ બેઠકો હતી. રીપબ્લિકન્સે ૧૩ સીટ વધુ મેળવી ગૃહ ઉપર સત્તા મેળવી છે.
તાજેતરમાં સેનેટના ૧/૩ સભ્યો નિવૃત્ત થયા તેઓની ચૂંટણી થઈ. તેમાં રીપબ્લિકન્સે સપાટો બોલાવી સંખ્યાબળ ૫૧ સુધી પહોંચાડી દીધું.
ટૂંકમાં જમણેરી કટ્ટરપંથી તેવી રીપબ્લિકન્સ પાર્ટીનો અમેરિકા પર પ્રભાવ પથરાઈ ગયો છે તે નિશ્ચિત છે.
માત્ર અમેરિકા જ નહીં દુનિયાના કેટલાયે દેશો જેવા કે નેધરલેન્ડઝ અને ભારતમાં પણ જમણેરી પાર્ટીઓનો પ્રભાવ વધ્યો છે. તેનું મુખ્ય કારણ એક તરફ વકરતો જતો ઇસ્લામિક કટ્ટરવાદ છે. તો તે સાથે ચીનની સતત વધી રહેલી દાદાગીરી છે. ચીનની દાદાગીરી અને ઇસ્લામિક કટ્ટરવાદ ટ્રમ્પના વિજયના મુખ્ય કારણો છે.
ટ્રમ્પે જે છ દેશોમાંથી ચાલતા વસાહતીઓને ચાળીને લેવાની વાત કરી છે તે બધા જ ઇસ્લામપંથી દેશો છે. આમ એક તરફ ચીનની દાદાગીરી અને બીજી તરફ વકરતો ઇસ્લામિક કટ્ટરવાદ જમણેરી પરીબળોને મજબૂત બનાવે છે તે જોઈ શકાય છે.