'સદ્દામ હુસૈનનો અંજામ યાદ રાખજો...' તૂર્કિયેની ધમકી બાદ અકળાયેલા ઈઝરાયલના શાબ્દિક પ્રહાર
Image: Facebook
Israel Katz: તૂર્કિયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગાનની તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે પેલેસ્ટિનિયનોની મદદ માટે ઈઝરાયલમાં ઘૂસીને પણ હુમલો કરી શકીએ છીએ. અમે પહેલા પણ લીબીયા અને નાગોર્નો-કારાબાખમાં આવું કરી ચૂક્યા છીએ. હવે આ હુમલાની ધમકીનો ઈઝરાયલે જવાબ આપ્યો છે. ઈસ્લામ જગતના લીડર બનવાનું સ્વપ્ન જોનાર એર્દોગાનને ઈઝરાયલના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તે સતત ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા કાર્યોનો વિરોધ કરતાં રહે છે. પોતાના દેશમાં નિર્મિત રક્ષા સામગ્રીનાં વખાણ કરતાં એર્દોગાને કહ્યું કે અમે એટલા મજબૂત છીએ કે અમે ઈઝરાયલમાં ઘૂસી શકીએ છીએ. અમારી પાસે આવું ન કરવા પાછળ કોઈ કારણ નથી. અમે ગમે ત્યારે આવું કરી શકીએ છીએ. અમારે હજુ વધુ મજબૂત થવું પડશે જેથી ઈઝરાયલ પેલેસ્ટિનિયન લોકોની સાથે કોઈ પ્રકારની કોઈ ગડબડ ન કરી શકે.
તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગાન પોતાની પાર્ટીની મીટિંગમાં આ તમામ વાતો પહેલા પણ કહી ચૂક્યા છે. જ્યારે ન્યૂઝ એજન્સીઓએ તેમના પાર્ટીના નેતાઓને આ કમેન્ટ વિશે મત જાણવા માગ્યો તો તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી.
ધમકી આપતા ઈઝરાયલ રોષે ભરાયું
તૂર્કિયેના રાષ્ટ્રપતિ તરફથી આવેલી આ ધમકી બાદ ઈઝરાયલના વિદેશ મંત્રી ઈઝરાયલ કાટ્સે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે એર્દોગાન સદ્દામ હુસૈનના માર્ગ પર ચાલવા ઈચ્છે છે. તેમણે યાદ રાખવું જોઈએ કે ઈરાકમાં શું થયું અને સદ્દામ હુસૈનનો અંત કેવી રીતે થયો. ઈઝરાયલની વિપક્ષી પાર્ટીના નેતા યાયર લેપિડે પણ એર્દોગાનને આડે હાથ લીધા તેમણે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે એર્દોગાન ઈસ્લામી જગતના લીડર બનવાની ઈચ્છા રાખે છે તે ફરીથી વાતો કરી રહ્યાં છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી, તે પોતે મિડલ ઈસ્ટ માટે સૌથી મોટું જોખમ છે.
લેપિડે આગળ લખ્યું કે એર્દોગાનની ઈઝરાયલ વિરુદ્ધ કરવામાં આવેલી આ નિવેદનબાજીની ટીકા કરવી જોઈએ અને હમાસનું સમર્થન ન કરવા માટે તેમને મજબૂર કરવા જોઈએ. સદ્દામ હુસૈનને અમેરિકન સરકારે 2003માં સત્તાથી દૂર કર્યાં હતાં અને પછી બાદમાં એક ઈરાકી કોર્ટે તાનાશાહને મોતની સજા સંભળાવી દીધી હતી.