ઈમરાન ખાનને મોટી રાહત, હાઈકોર્ટે કહ્યું - ગુપ્ત દસ્તાવેજ કેસમાં તેમની સામે કોઈ પુરાવા નથી
- ''ઈમરાન ભારત સાથે મૈત્રી રાખવા કહે છે તે તેમનો ગુનો છે''
- પૂર્વ વડાપ્રધાન અને તેમના સાથી પાસે ગુપ્ત દસ્તાવેજો હતા તેવું પણ તમારી એજન્સીઓ સાબિત કરી શકતા નથી : હાઈકોર્ટ
Imran Khan news | પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને બહુ મોટી રાહત મળી છે. ગુપ્ત દસ્તાવેજો કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે ફેડરલ ઈન્વેસ્ટીગેશન બ્યુરો (સમવાયતંત્રી તપાસ એજન્સી) તેવું સાબિત કરી શકી નથી કે ઈમરાનખાન પાસે ગોપનીય રાજદ્વારી દસ્તાવેજો હતા અને તે તેમની પાસેથી ગુમ થઈ ગયા હતા.
ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આમીર ફારૂક અને ન્યાયમૂર્તિ, મિયા-ગુલ-હસનથી ખંડપીઠ સમક્ષ ઈમરાનખાન વિરૂદ્ધનો કેસ ચાલી રહ્યો છે. જેમાં ઈમરાન ખાન અને તેઓની સરકારમાં વિદેશમંત્રી રહેવા શાહ મહેમુદ કુરૈશી ઉપર ગુપ્ત દસ્તાવેજો રાખવા અને તેને ગુમ કરી દેવા બાબતે ૧૦ વર્ષથી નીચલી કોર્ટે સજા ફરમાવી હતી. તે સામે હાઈકોર્ટમાં તેઓએ અપીલ કરતા સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે ગુપ્ત દસ્તાવેજો કેસમાં ઈમરાનખાન વિરૂદ્ધ કોઈ પુરાવા તપાસ એજન્સીઓ સાબિત કરી શકી નથી.
તે સર્વ-વિદિત છે કે પાકિસ્તાન-તેહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષાને આ કેસમાં તેમના સાક્ષી અને પૂર્વ વિદેશમંત્રી શાહ મહેમુદ કુરૈશીને ૧૦ વર્ષની કારાવાસની સજા નીચલી કોર્ટે ફરમાવી હતી.
તપાસ એન્જસીઓનો દાવો હતો કે ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં એક રેલીમાં કથિત રૂપે અનેક ગોપનીય (ગુપ્ત) રાજદ્વારી દસ્તાવેજ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે વિદેશી શક્તિઓ દ્વારા તેમની સરકાર વિરૂદ્ધ યોજાયેલી સાજીશનો આ પુરાવો છે. આ કાગળ દર્શાવ્યા પછી એપ્રિલ ૨૦૨૨માં અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા તેમની પાર્ટી સત્તા ભ્રષ્ટ થઈ હતી પછી તેઓની નવી સરકારેે ધરપકડ પણ કરી હતી અને તેમને તથા તેમના સાથીને ૧૦ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જે સામે ઈમરાનખાને હાઈકોર્ટમાં અપીલ કરી છે, જેથી સુનાવણી ચાલે છે.
ઈમરાન-ઘટના અંગે નિરીક્ષકોનું કહેવું છે કે વાસ્તવમાં ઈમરાન ખાન અને તેમના તે સમયના વિદેશમંત્રી બંને ભારત સાથે સારા સંબંધો બાંધવા અને મૈત્રી રાખવા આગ્રહ રાખતા હોવાથી તેઓ લશ્કરના જુથને કણાંની જેમ ખુંચતા હતા. તેમને મન તે જ તેમનો સૌથી મોટો ગુનો છે. તેથી એક યા બીજા કારણે તેમને ફસાવી, તેઓને અને તેમના સાથીઓને જેલ-ભેગા કરાયા છે અને તે પણ ૧૦ વર્ષ માટે.