હમાસના કબ્જામાં રહેલા બંધકોને છોડાવવા ઈઝરાયેલમાં દેખાવો, પેલેસ્ટાઈનના લોકોને જેલમાંથી મુક્ત કરવા માંગ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
હમાસના કબ્જામાં રહેલા બંધકોને છોડાવવા ઈઝરાયેલમાં દેખાવો, પેલેસ્ટાઈનના લોકોને જેલમાંથી મુક્ત કરવા માંગ 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 22 ઓક્ટોબર 2023

ગાઝા પર ઈઝરાયેલે કરેલા આક્રમણ વચ્ચે ઈઝરાયેલમાં યહૂદી સમુદાય દ્વારા ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે.

હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને છોડાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. દેખાવકારોની માંગ છે કે, પહેલા જે લોકોને બંધક બનાવાયા છે તેમને પાછા લાવવામાં આવે અને એ પછી ઈઝરાયેલની સેના ગાઝા સાથે યુધ્ધ લડે. ઘણા લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂનુ રાજીનામુ પણ માંગ્યુ છે.

એક ભારતીય ન્યૂઝ ચેનલને દેખાવકારોએ વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ઈઝરાયેલની સરકારે પહેલા હમાસના કબ્જામાં રહેલા ઈઝરાયેલના નાગરિકોને છોડાવવા માટે પ્રયાસ કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની જેલોમાં પેલેસ્ટાઈનના 10000 કરતા વધારે લોકો કેદ છે અને તેમાં પાંચ હજાર તો તાજેતરના યુધ્ધમાં પકડવામાં આવે છે.હમાસ દ્વારા આ કેદીઓને છોડવાના બદલામાં અપહરણ કરાયેલા લોકોને મુક્ત કરવાની શરત મુકી છે.

લોકોનુ કહેવુ છે કે, જો હમાસ બંધકોને છોડવા માટે તૈયાર હોય તો ઈઝરાયેલે પણ પેલેસ્ટાઈનના લોકોને છોડી દેવા જોઈએ. જેલો ખાલી કરી દેવી જોઈએ.

ઈઝરાયેલની જેલોમાં પેલેસ્ટાઈનના ઘણા લોકો વર્ષોથી કેદ છે. કેટલાકની તો ધરપકડ  થઈ છે પણ કેસ ચાલ્યો જ નથી. તેમના અંગે સબંધિત વકીલો પાસે પણ કોઈ જાણકારી નથી. કેદીઓના પરિવારજનોને પણ ખબર નથી કે તેમને કઈ જેલોમાં રાખવામાં આવ્યા છે.

બીજી તરફ હમાસે અત્યારે 200 ઈઝરાયેલી અને બીજા દેશોના નાગરિકોને કેદ કરીને રાખ્યા હોવાનુ મનાય છે.



Google NewsGoogle News