'4 દિવસમાં તમામ બંધક ન છોડ્યાં તો નરક ભેગા થવા તૈયાર રહેજો..', ટ્રમ્પની હમાસને ધમકી
Donald Trump Threat to Hamas | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને રીતસરની ધમકી આપી છે કે શનિવાર સુધીમાં જો તેણે બધા બંધકોને છોડયા નહીં તો તેઓને નરક ભેગા કરી દઇશું.. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે આમ થાય તો યુદ્ધવિરામનો કોઈ અર્થ રહેતો નથી. તેના પછી શું થશે તેનો નિર્ણય ઇઝરાયેલ પોતે જ કરશે. ટ્રમ્પે આ વાત હમાસે ગાઝામાં ઇઝરાયેલી બંધકોને છોડવામાં વિલંબ કરતાં કહી હતી.
હમાસે આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયેલે ત્રણ સપ્તાહ જૂના યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અમેરિકન પ્રમુખે ત્યાં સુધી જણાવ્યું હતું કે શનિવારે રીતસરના માંદા દેખાતા ત્રણ ઇઝરાયેલી કેદીને જોતાં ઇઝરાયેલ તે માંગ કરી શકે કે હમાસ બધા બંધકોને શનિવાર સુધીમાં છોડે નહીં તો યુદ્ધનો ફરીથી પ્રારંભ થાય.
ટ્રમ્પે સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનીઓને ગાઝામાં પરત ફરવાની અધિકાર જ નથી. તેમની આ વાત તેમના જ અધિકારીઓએ કહેલી વાતથી સાવ વિપરીત છે, જેઓએ ગાઝાના વતનીઓને કામચલાઉ ધોરણે જ બીજે શિફ્ટ કરવાની અને ગાઝામાં બધુ સરખું થઈ જાય પછી પરત ફરવાની વાત કહી હતી.
ટ્રમ્પે ગયા અઠવાડિયે તેનો પ્લાન દર્શાવ્યો હતો અને ગાઝાને મધ્યપૂર્વનું રિવેરા બનાવવાનું કહ્યુ હતુ. તેણે જણાવ્યું હતું કે તે અમેરિકાના સહયોગીઓ જોર્ડન અને ઇજિપ્તને ગાઝામાં લેવાય તેટલા પેલેસ્ટાઇનીઓને લઈ લેવા દબાણ કરશે. જો તેઓ સંમત ન થયા તો અમેરિકા દ્વારા તેમને આપવામાં આવતી સહાય અટકી જશે. આરબ દેશોએ ટ્રમ્પની દરખાસ્તની આકરી ટીકા કરી છે.
ટ્રમ્પની ટિપ્પણીએ હમાસ-ઇઝરાયેલ વચ્ચેના લગભગ ૧૫ મહિના પછીના યુદ્ધવિરામ ડીલનોે અંત જ લાવી દીધો હોવાનું મનાય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેને શંકા છે કે હમાસ બંધકોને યોગ્ય પ્રકારની સ્થિતિમાં નહી છોડે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસ ક્યાં તો ૭૬ બંધકોને છોડ, નહીં તો તેમને નરક ભેગા કરી દઇશું.
ટ્રમ્પે ગાઝાને સલામત કરવામાં મદદ કરવા અમેરિકન લશ્કરની હાજરીની સંભાવનાને પણ નકારી કાઢી હતી. ઇજિપ્તે ગાઝામાંથી પેલેસ્ટાઇનીઓને બીજે ફેરવવાની સંભાવના નકારી કાઢી છે. હમાસે જણાવ્યું હતું કે ટ્રમ્પનું નિવેદન બતાવે છે કે તેમની રાજકીય સમજ કેટલી અપરિપક્વ છે. તે આ ડીલને પણ રિયલ્ટી ડીલ તરીકે જ જુએ છે અને તે જ રીતે વર્તે છે, પણ હમાસ તેને તે રીતે જોતું નથી.