ઈઝરાયલની સ્થિતિ અંગે રામાસ્વામીએ બાયડેનને ચેતાવ્યા કહ્યું આ અહીંયા પણ બની શકે તેમ છે
- છેલ્લાં બે વર્ષમાં 70 હજાર ઈસ્લામી કટ્ટરવાદીઓ અમેરિકામાં ઘૂસી આવ્યા હતા તે ખતરનાક છે : અસ્વીકાર્ય છે, પ્રમુખપદના એ ઉમેદવારે પ્રમુખને કહ્યું
વોશિંગ્ટન : હમાસના આતંકી હુમલા અને નાગરિકોના નરસંહારથી ઈઝરાયલ ગુસ્સામાં આવી ગયું છે. તેણે હમાસને ખત્મ કરવાના 'શપથ' લીધા છે. ગાઝાપટ્ટી પરનું એકે એક શહેર ખંડેર બની ગયું છે. અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકને ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યુહને પીઠ થાબડતાં કહ્યું છે કે, 'તમે આગળ વધો અમે તમારી સાથે છીએ.'
અમેરિકાનું વિશાળ વિમાનવાહક જહાજ સાથે ૪ અન્ય યુદ્ધ જહાજો ભૂમધ્ય સાગરના પૂર્વ તટે (ઈઝરાયલ કાંઠે) લાંગર્યાં છે. વિમાન વાહક જહાજ ઉપરથી ઉડી વિમાનો હમાસ ઉપર વિનાશ વેરી રહ્યાં છે. તેવે સમયે અમેરિકાનાં પ્રમુખપદ માટેના ઉમેદવાર વિવેક (ભારત વંશીય) વિવેક રામાસ્વામીએ પ્રમુખ બાયડેનને ચેતવણી આપતાં કહ્યું છે કે 'જે ત્યાં બન્યું છે તે અહીં પણ બની શકે તેમ છે', તેમણે કહ્યું છેલ્લાં બે વર્ષમાં જ ઈસ્લામી કટ્ટરવાદીઓ સાથે સંબંધ ધરાવતા ૭૦ હજાર લોકો અમેરિકામાં ઘૂસી આવ્યા હતા. તેઓ પકડાઈ ગયા છે પરંતુ ખુલ્લી સીમાઓને લીધે અગણિત લોકો અમેરિકામાં પ્રવેશ ચુક્યા છે. આ અસ્વીકાર્ય છે, ખતરનાક પરિસ્થિતિ છે. આપણે તે સુધારવી જ જોઈએ.
સોશ્યલ મીડીયા પર જે વીડીયો વાયરલ થયો છે, તે હમાસનો હોવાનું કહેવાય છે. તેમાં આતંકીઓ પાણીની પાઇપલાઇન જમીનમાંથી કાઢી તેમાંથી રોકેટ બનાવે છે.
આ અંગે રામાસ્વામીએ મઝાક કરતાં કહ્યું હતું કે 'હવે ખબર પડી કે ગાઝાપટ્ટીમાં પાણીની તંગી કેમ છે ?' તેનું કારણ તે છે કે પોતાના કબ્જા નીચેના ગાઝાપટ્ટી વિસ્તારમાં આતંકીઓ પાઇપોનો ઉપયોગ રોકેટ બનાવવામાં વ્યસ્ત છે.
તે સર્વવિદિત છે કે ઈઝરાયલમાં મૃતકોની સંખ્યા ૧૩૦૦ ઉપર પહોંચી ગઈ છે. ૩૩૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે. ૧૫૦ જેટલા લોકોનું હમાસે અપહરણ કર્યું છે, તેમના વિષે કોઈ સમાચાર જ નથી. જ્યારે ઈઝરાયલી હુમલામાં પણ આશરે ૧૫૦૦ લોકોએ ગાઝાપટ્ટીમાં પણ જાન ગુમાવ્યા છે, ત્યાં અનાજ અને પાણીની પણ તંગી પડી ગઈ છે.