Get The App

સીરિયામાં સત્તાપલટો: શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી આ વ્યક્તિને સુકાન સોંપાયું

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
સીરિયામાં સત્તાપલટો: શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી આ વ્યક્તિને સુકાન સોંપાયું 1 - image


- મધ્ય-પૂર્વમાં અસદના પરાજયથી ઈરાન અને રશિયાને મોટો ફટકો

- બળવાખોર એચટીએસ જૂથે માત્ર ૧૦ જ દિવસમાં અસદને ઊખાડી ફેંકતા ૧૪ વર્ષથી ચાલતું ગૃહયુદ્ધ સમાપ્ત 

- શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી પૂર્વ પીએમ મોહમ્મદ ગાઝી-જલાલિને સુકાન સોંપાયું

દમાસ્કસ: સીરિયામાં બળવાખોરોએ રવિવારે સવારે રાજધાની દમાસ્કસમાં પહોંચીને મહત્વપૂર્ણ સરકારી ઈમારતો પર કબજો કરી લેતાં અસદ પરિવારના ૫૦ વર્ષના લોખંડી શાનનો અંત આવ્યો છે, પરંતુ સીરિયાના ભવિષ્ય અંગેના સવાલોનો કોઈ જવાબ મળી શક્યો નથી. બળવાખોરો રાજધાનીમાં પહોંચતા નાગરિકો 'આઝાદી, આઝાદી'ના સૂત્રોચ્ચાર સાથે સેન્ટ્રલ સ્ક્વેર ખાતે એકત્ર થવા લાગ્યા હતા. તેમણે સીરિયાના ક્રાંતિકારીઓનો ધ્વજ લહેરાવ્યો હતો, જેણે આરબ બળવાના દિવસોની યાદ અપાવી દીધી હતી. હવે સીરિયામાં બશર અલ-અસદના ૨૪ વર્ષના ક્રૂર શાસન અને ૧૪ વર્ષ લાંબા ગૃહ યુદ્ધનો અંત આવ્યો છે.

સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવે હયાત તહરીર અલ-શામ (એચટીએસ)નો કબજો થઈ ગયો છે. આ સાથે એચટીએસના બળવાખોરોએ માત્ર ૧૦ જ દિવસમાં અલેપ્પો, હામા, હોમ્સ અને રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લીધો છે. બળવાખોરોએ સંરક્ષણ મંત્રાલય, પબ્લિક રેડિયો અને ટીવી ઈમારતને પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. દમાસ્કસમાં પૂર્વ પ્રમુખ બશર અલ-અસદની પીછેહઠ પછી એચટીએસના વડા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ જાહેરાત કરી કે તેઓ શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ ઈચ્છે છે અને ત્યાં સુધી ભૂતપૂર્વ વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાલિને સત્તાના સૂત્રો સંભાળી રાખશે.

બળવાખોરોના વિજય સાથે પૂર્વ પ્રમુખ બશર અલ-અસદ ક્યાંક અજ્ઞાાત સ્થળે ભાગી ગયા છે. જોકે, અસદના સમર્થક રશિયાએ કહ્યું કે, અસદે બળવાખોરોના જૂથ સાથે વાટાઘાટો કર્યા પછી જ દેશ છોડયો છે. તેમણે જ પૂર્વ વડાપ્રધાન જલાલિને શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની વાત કરી હતી.

ભૂતકાળમાં અલ-કાયદાના કમાન્ડર રહી ચૂકેલા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ કહ્યું કે, સીરિયામાં હવે બહુમતીવાદ અને ધાર્મિક સહિષ્ણુતાની શરૂઆત થશે. તેઓ દેશનું ભાવિ ઘડવા માટે તૈયાર છે. સીરિયામાં બશર અલ-અસદના શાસનનો અંત રશિયા અને ઈરાન તેમજ તેમના સાથી દેશોને મોટો ફટકો છે. ઈઝરાયેલ અને યુક્રેન સાથેના યુદ્ધોના કારણે ઈરાન અને રશિયા નબળા પડી ગયા છે.

જોકે, બળવાખોરો માટે હવે યુદ્ધગ્રસ્ત સીરિયાને બેઠો કરવાનું તેમજ હથિયારધારી વિવિધ જૂથોને શાંત કરવાનું મહાકાય પડકારજનક કામ આવી પડયું છે. સીરિયાની ઉત્તરે અમેરિકાના સાથી કુર્દીશ દળો તુર્કીયેનું પીઠબળ ધરાવતા બળવાખોરો સામે લડી રહ્યા છે જ્યારે સીરિયાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકીઓ સક્રિય છે.

સીરિયાના સરકારી ટેલિવિઝન પર રવિવારે સવારે એક વીડિયો નિવેદનમાં બળવાખોરોના જૂથે કહ્યું હતું કે, અસદને સત્તા પરથી ઉથલાવી દેવાયા છે અને બધા જ કેદીઓને છોડવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને 'મુક્ત સીરિયા સરકાર'ની સંસ્થાઓને જાળવી રાખવા અપીલ કરી હતી. જોકે, પાછળથી બળવાખોરોએ દમાસ્કસમાં સાંજે ૪.૦૦થી ૫.૦૦ કરફ્યૂ લાદી દીધો હતો.

બળવાખોરોના કમાન્ડર અનસ સલખાદિએ સ્ટેટ ટીવી પર સીરિયાના ધાર્મિક અને વંશીય લઘુમતીઓને ખાતરી આપતા કહ્યું કે, આ સીરિયા બધા જ લોકોનો દેશ છે. અહીં ડ્રુઝ, સુન્ની, અલાવી, શિયા બધા જ પંથોના લોકોને આવકારવામાં આવશે. અસદ પરિવારે લોકો સાથે જેવું વર્તન કર્યું હતું તેવું અમે નહીં કરીએ. દમાસ્કસમાં અનેક વર્ષો પછી પહેલી વખત મુક્તિના દરવાજા ખૂલ્યા છે. સરખાદિ સ્ટેટ ટીવી પર વાત કરતો હતો તેવામાં અચાનક જ પ્રસારણ અટકાવી દેવાયું અને લખવામાં આવ્યું કે, 'મહાન સીરિયન ક્રાંતિનો વિજય અને અસદના અત્યાચારી શાસનનો અંત.'


Google NewsGoogle News