AIમાં અમેરિકા અને ચીનનો દબદબો છતાં ફ્રાંસે સમિટ માટે ભારતની કેમ પસંદગી કરી? થશે આ લાભ
AI Summit France Macron and PM Modi Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાંસની બે દિવસીય મુલાકાતે છે. ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચતા, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એલિસી પેલેસમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીના સન્માનમાં ડિનરનું પણ આયોજન કર્યું હતું. દરમિયાન આજે પીએમ મોદી AI એક્શન સમિટમાં ભાગ લેશે.
આજે AI સમિટનું આયોજન
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના નેતૃત્ત્વમાં આજે AI સમિટનું આયોજન કરવામાં આવશે. આ વખતે પીએમ મોદીને AI સમિટની સહ અધ્યક્ષતા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એવામાં પ્રશ્ન થાય કે શા માટે પીએમ મોદીને જ કાર્યક્રમની સહ અધ્યક્ષતા માટે આમંત્રણ આપવામાં આવ્યું?
ટેક સાર્વભૌમત્વને પ્રોત્સાહન આપવાનો મુખ્ય એજન્ડા
રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, 'હું પીએમ મોદી સાથે મળીને ટેક સાર્વભૌમત્વને પ્રોત્સાહન આપવા માંગુ છું. અમે દૃઢપણે માનીએ છીએ કે ભારત અને ફાંસ બે મજબૂત દેશ છે અને અમારા સંબંધો ખૂબ નજીકના છે. અમે અમેરિકા અને ચીન સાથે કામ કરવા માંગીએ છીએ પરંતુ કોઈ પર નિર્ભર રહેવા માંગતા નથી. ભારત એક ઉભરતી મહાસત્તા છે અને દર વર્ષે 10 લાખ એન્જિનિયર્સ પ્રોડ્યુસ કરે છે, જે યુરોપ અને અમેરિકાના બંને ભેગા થઈને પણ વધુ છે.'
વૈશ્વિક સ્તરે ટેક સાર્વભૌમત્વ તેમનો અને પીએમ મોદીનો મુખ્ય એજન્ડા છે.
રાષ્ટ્રપતિ મેક્રોને વધુમાં કહ્યું કે, 'અમે સંપૂર્ણ આત્મનિર્ભરતા ઇચ્છીએ છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે અમે એકલા રહેવા માંગીએ છીએ. અમને એવા ભાગીદારોની જરૂર છે કે જેના પર અમે કોઈપણ નિર્ભરતા વિના વિશ્વાસ કરી શકીએ.'
AI ખતરો નહીં પરંતુ મદદરૂપ થશે
AI વિષે વાત કરતા મેક્રોન કહે છે કે, 'ભારત અને ફ્રાંસ બે અગ્રણી દેશ છે પરંતુ અમેરિકા અને ચીન AIના મામલે આપણાથી ઘણા આગળ છે. આ પછી ફ્રાંસ, બ્રિટન, ભારત, એમિરેટ્સ અને જર્મની છે. એટલા માટે અમે AI પર સાથે કામ કરવા માંગીએ છીએ. વડાપ્રધાન મોદીને પણ એ જ પડકારનો સામનો કરવો પડે છે કે AI માર્કેટ પર અમેરિકાની પકડ છે અને કેટલીક ચીની કંપનીઓની પણ અહીં મજબૂત હાજરી છે. આવી સ્થિતિમાં પીએમ મોદી ઇચ્છે છે કે ભારતને આ નવી ટૅક્નોલૉજીનો લાભ મળે.'
આ પણ વાંચો: શનિવાર બપોર સુધીમાં તમામ બંધકોને છોડો નહીંતર...: હમાસને ટ્રમ્પની અંતિમ ચેતવણી
રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, 'ભારત સાથે મળીને અમે ટૅક્નોલૉજી સાર્વભૌમત્વનો વિકાસ કરીશું. અમે અહીં લોકોને ટ્રેનિંગ આપીશું. અમે ભારત અને ફ્રાંસમાં ડેટા સેન્ટર સ્થાપીશું અને અમારી ભાષામાં લેન્ગવેજના મોડલ બનાવીશું. અમે અમેરિકા કે ચીનના મોડલ પર નિર્ભરતા નથી ઇચ્છતા. આ દિશામાં ગ્લોબલ સાઉથ એક મોટું માર્કેટ હશે.'
પીએમ મોદીની આ સાતમી ફ્રાંસ મુલાકાત છે. તેમણે છેલ્લે 2023માં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અગાઉ આ સમિટ 2024માં દક્ષિણ કોરિયા અને 2023માં બ્રિટનમાં યોજાઈ હતી.