અમેરિકામાં એચ-1બી વિઝાને બચાવવા યુદ્ધ કરવા માટે પણ તૈયાર : ઇલોન મસ્ક
- ઈમિગ્રેશનનો વિરોધ અને અમેરિકા ફર્સ્ટ મુદ્દે ટ્રમ્પ સમર્થકો-મસ્ક બાખડયા
- એચ-૧બી વિઝા ખૂબ જ શાનદાર કાર્યક્રમ, મેં પણ ઉપયોગ કર્યો છે, હંમેશા તરફેણમાં છું ઃ ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પનું મસ્કને સમર્થન
- અમેરિકાની ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી ભારત જેવા દેશોના એન્જિનિયરો અને પ્રોફેશનલ્સની નિપુણતા પર નિર્ભર ઃ મસ્ક
વોશિંગ્ટન: અમેરિકામાં ઈમિગ્રેશનના વિરોધ, અમેરિકા ફર્સ્ટ અભિયાનની મદદથી સત્તા પર આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને ટ્રમ્પ તંત્રમાં ટોચના પદો પર ચૂંટાયેલા લોકો વચ્ચે હવે આ મુદ્દાઓ પર ઘર્ષણ શરૂ થયું છે. ઈમિગ્રેશનના વિરોધી ટ્રમ્પ સમર્થકોએ એચ-૧બી કાર્યક્રમને અમેરિકા ફર્સ્ટ નીતિના વિરોધમાં ગણાવ્યો છે. આ મુદ્દા પર ઈલોન મસ્કે ટ્રમ્પ સમર્થકોને ગાળો ભાંડતા ત્યાં સુધી કહી દીધું કે એચ-૧બી કાર્યક્રમને બચાવવા માટે તેઓ યુદ્ધ કરવા પણ તૈયાર છે. વિવેક રામાસ્વામીએ પણ તેમનું સમર્થન કર્યું છે. આ સાથે તેમને ટ્રમ્પનો પણ ટેકો મળ્યો છે. આ સમગ્ર વિવાદના મૂળમાં ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને માનવામાં આવે છે.
અમેરિકાના ઈમિગ્રેશન કાર્યક્રમમાં એચ-૧બી વિઝા એક મહત્વપૂર્ણ ભાગ છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી વિચારસરણી વચ્ચે ટોચના ઉદ્યોગપતિ અને ટ્રમ્પના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઈલોન મસ્કે જણાવ્યું હતું કે, એચ-૧બી વિઝા પ્રોગ્રામને બચાવવા માટે તેમણે યુદ્ધ કરવું પડે તો પણ તેઓ તૈયાર છે. તેમણે કુશળ વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં લાવતા આ પ્રોગ્રામને આગળ વધારવાની પણ ભલામણ કરી હતી. મસ્કને તેમના ભારતીય મૂળના સાથી વિવેક રામાસ્વામીનો પણ સાથ મળ્યો હતો. તેમણે પણ એચ-૧બી વિઝા કાર્યક્રમનો બચાવ કર્યો હતો.
ઈલોન મસ્કે કહ્યું હતું કે, તેમની સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ માટે વિદેશી પ્રોફેશનલ્સની જરૂર છે અને તેના માટે એચ-૧બી પ્રોગ્રામ જરૂરી છે. હું એચ-૧બી પ્રોગ્રામના કારણે જ સ્પેસએક્સ, ટેસ્લા અને અમેરિકાને મજબૂત બનાવતી સેંકડો અન્ય કંપનીઓનું નિર્માણ કરતા અનેક મહત્વપૂર્ણ લોકો સાથે અમેરિકામાં છું. આ સાથે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરની ઝાટકણી કાઢી હતી. આ યુઝરે વિઝા પ્રોગ્રામ અંગે મસ્કના વલણ પર હુમલો કરતા તેમનો જ એક જૂનો વીડિયો પણ ટ્વીટ કર્યો હતો.ઈલોન મસ્ક અને રામાસ્વામીનું માનવું છે કે અમેરિકાની ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી ભારત જેવા દેશોના એન્જિનિયરો અને પ્રોફેશનલ્સની નિપુણતા પર નિર્ભર છે. મસ્કે કહ્યું કે, સિલિકોન વેલીમાં સારી એન્જિનિયરિંગ ટેલેન્ટની અછત છે.
રામાસ્વામીએ પણ મસ્કનું સમર્થન કર્યું. તેમણે એક્સ પર લખ્યું, એક સંસ્કૃતિ જે ઉત્કૃષ્ટતાના બદલે સરેરાશ દરજ્જાની ઊજવણી કરે છે તે પ્રતિભાશાળી એન્જિનિયરો પેદા નહીં કરે. બંને ટેક્નોલોજી લીડર્સ એચ-૧બી વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવાની માગ કરી રહ્યા છે.
હકીકતમાં રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ 'ઈમિગ્રેશન વિરોધી' અને 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિઓના સમર્થનની મદદથી પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા હતા. જોકે, પ્રમુખપદે ચૂંટાયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે એઆઈ પોલિસી માટે સલાહકાર તરીકે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની નિમણૂક કરતાં તેમના સમર્થકો ભડક્યા છે. શ્રીરામ કૃષ્ણન સ્કીલ વર્કર્સ માટે ગ્રીનકાર્ડ પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવા માટે જાણિતા છે ત્યારે ટ્રમ્પ સમર્થકોએ શ્રીરામ કૃષ્ણન પર 'ઈન્ડિયા ફર્સ્ટ' એજન્ડા આગળ વધારવાનો આક્ષેપ મૂક્યો હતો.
ટ્રમ્પ સમર્થક લારા લૂમર, એન કૂલ્ટર અને મેટ ગેટ્ઝે મસ્ક અને રામાસ્વામી પર ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ નીતિ'ને નબળી કરવાનો આક્ષેપ કર્યો હતો. ગેટ્સે કહ્યું કે, અમે તેમને ઈમિગ્રેશન નીતિ બનાવવા નથી કહ્યું. આ વિવાદમાં કૂદી પડતાં દક્ષિણ કેરોલિનાનાં પૂર્વ ગવર્નર નિકી હેલીએ કહ્યું કે, અમેરિકાએ કાર્યબળમાં રોકાણ પર ભાર મૂકવો જોઈએ. ટેક્નોલોજી ઉદ્યોગને પ્રોફેશનલ્સની જરૂર હોય તો આપણી શિક્ષણ વ્યવસ્થામાં રોકાણ કરો. આપણે બીજે ક્યાંય જોવાની જરૂર નથી. આપણે પહેલાં અમેરિકનોમાં રોકાણ કરવું જોઈએ.
અમેરિકામાં એચ-૧બી વિઝા મેળવનારામાં ૭૦ ટકા ભારતીયો હોય છે ત્યારે આ પોલિસીમાં ફેરફારથી ભારતીયોને મોટો ફટકો પડી શકે છે. જોકે, મસ્કે એચ-૧બી વિઝાનું સમર્થન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના ટેકામાં આગળ આવ્યા છે. મસ્કનો પક્ષ લેતા ટ્રમ્પે કહ્યું કે મને હંમેશા વિઝા પસંદ રહ્યા છે. હું હંમેશાથી આ વિઝા પ્રોગ્રામની તરફેણ કરતો રહ્યો છું. હું એચ-૧બી વિઝામાં વિશ્વાસ ધરાવું છું. મેં પોતે અનકે વખત તેનો ઉપયોગ કર્યો છે. આ ખૂબ જ શાનદાર પ્રોગ્રામ છે.