મહિલાઓને તબીબી શિક્ષણથી દૂર રાખવાના તાલિબાની નિર્ણયનો, ક્રિકેટર્સ, રશિદખાન અને મોહમ્મદ નબીનો વિરોધ
- ઈસ્લામે હંમેશાં શિક્ષણને મહત્વ આપ્યું છે : મોહમ્મદ નબી
- કુરાન અભ્યાસને મહત્વ આપે છે, સ્ત્રી-પુરૂષ બંનેને જ્ઞાન મેળવવાનો સમાન અધિકાર આપે છે : ક્રિકેટર રશીદ ખાન
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનો મહિલાઓને 'નર્સિંગ' અને 'મિડવાઈફરી' અભ્યાસ ઉપર પ્રતિબંધ મુકવા વિચારી રહ્યા છે. આ રીતે તાલિબાનો મહિલાઓ ઉપર નવો પ્રતિબંધ મુકવા માંગે છે. આ સામે અફઘાન ક્રિકેટર્સ રશિદખાન અને મોહમ્મદ નબીએ અવાજ ઉઠાવ્યો છે. તેઓએ ‘x' પ્લેટફોર્મ ઉપર લખ્યું છે, ''તાલિબાનોએ તેઓનાં આ વલણ અંગે ફરીથી વિચારવું જોઈએ અને અફઘાન બાળાઓના શિક્ષણના અધિકારને પુન: સ્થાપિત કરવો જોઈએ, આ રીતે તેઓને રાષ્ટ્રના વિકાસમાં પ્રદાન કરવાની તક આપવી જોઈએ.''
રશિદખાને લખ્યું : 'શિક્ષણ ઈસ્લામના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને છે. કુરાન પણ સ્ત્રી અને પુરૂષને શિક્ષણ પ્રાપ્ત કરવાના સમાન અધિકારો છે તેમ કહે છે. તે ઉપર ભાર પણ મુકે છે. આપણી બહેનો અને માતાઓને આરોગ્ય સંસ્થાઓમાં શિક્ષણ લેવાનો ઈનકાર કરતો તે નિર્ણય માત્ર તેઓનાં જ ભવિષ્ય માટે હાનિકારક નથી, પરંતુ સમગ્ર સમાજ માટે હાનિકારક છે.' તે અંગે હું મારી વેદના અને દુ:ખ દર્શાવું છું. તે નિર્ણય આપણા પ્યારા દેશ માટે પણ ખેદજનક છે.
આવી જ રીતે ક્રિકેટર મોહમ્મદ નબીએ પણ પોતાનું મંતવ્ય દર્શાવતાં 'ટ' પ્લેટફોર્મ પર લખ્યું હતું. બાળાઓને આરોગ્ય શાસ્ત્રના અભ્યાસથી દૂર રાખવાનો તાલિબાનોનો નિર્ણય માત્ર હૃદયદ્રાવક જ નથી, પરંતુ પૂર્ણત: અન્યાયી છે. ઈસ્લામે તો હંમેશાં દરેક માટે શિક્ષણને મહત્વ આપ્યું છે. અનેક મુસ્લીમ મહિલાઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું જ છે અને સમાજમાં બહુ મોટું પ્રદાન પણ આપ્યું છે. આ પરંપરા કેટલીએ પેઢીઓ સુધી ચાલી રહી છે. તેઓએ 'જ્ઞાન' દ્વારા સમાજમાં બહુ મોટાં પ્રદાનો કર્યા છે, તેથી હું તાલિબાનોને મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના અને જનસામાન્યની સેવા કરવાની તકથી દૂર રાખવાના નિર્ણય ઉપર પુનર્વિચાર કરવા વિનંતિ કરૂં છું. કારણ કે તે નિર્ણય તેઓનાં સ્વપ્નો અને આપણા પ્યારા દેશ સાથે કરાતી 'દગાખોરી' સમાન છે. આપણે દરેક માટે વધુ સારૂં અફઘાનિસ્તાન રચવું છે, તે આપણો અધિકાર છે, તેથીએ વધુ તે આપણી ફરજ છે.