અમેરિકામાં 'રામ-રથ-યાત્રા' : 48 રાજ્યોના 851 મંદિરોમાં જશે : 60 દિવસમાં 8 હજાર માઈલનો પ્રવાસ કરશે
- શિકાગોમાંથી સોમવારે ધૂળેટીના દિવસે યાત્રાનો પ્રારંભ થશે 23 એપ્રિલ હનુમાન જયંતિના દિવસે ઈલિનોઈસનાં સ્યુગર ગ્રોવમાં સંપન્ન થશે
ન્યૂયોર્ક : જ્યારથી અયોધ્યામાં 'રામલલ્લા' બિરાજમાન થયા છે. ત્યારથી દુનિયાભરમાં વસતા હિન્દુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ પ્રકટયો છે. અમેરિકામાં તો તે દિવસે વિશ્વ હિન્દુ પરિષદનાં નેતૃત્વમાં કાર રેલી યોજાઈ હતી. હવે અમેરિકામાં વ્યાપક સ્તરે રામ મંદિર રથયાત્રા કાઢવામાં આવશે. સોમવારે ધૂળેટીના દિવસે શિકાગોમાંથી આ યાત્રાનો પ્રારંભ થશે. તે એલાસ્કા અને હવાઈ ટાપુઓ હિવાઈની યુ.એસ.ની મેઈનલેન્ડ પરના તમામ ૪૮ રાજ્યોમાંથી પસાર થશે. તે ૬૦ દિવસમાં ૮૫૧ મંદિરોએ જશે, તે દરમિયાન તે ૮ હજાર માઈલનો પ્રવાસ કરી ૨૩મી એપ્રિલે શ્રી હનુમાન જયંતિના દિવસે ઈલીનોઈસનાં 'સ્યુગર ગ્રોવ' નગરમાં સંપન્ન થશે.
આ યાત્રાના આયોજક વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (વીએચપીએ)ના મહામંત્રી અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે, ટોયોટા-સિએના-વૈન ઉપર રચવામાં આવેલા રથમાં ભગવાન શ્રીરામ, માતા સીતા, ભ્રાતા લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાનજીની મૂર્તિઓની સાથોસાથ અયોધ્યાનાં રામ મંદિરમાંથી લવાયેલો વિશેષ પ્રસાદ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા પૂજિત અક્ષત કલશ પણ આ યાત્રામાં હશે. મિત્તલે કહ્યું અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાએ દુનિયાભરમાં રહેલા દોઢ અબજથી પણ વધુ હિન્દુઓનાં મન પ્રસન્ન કરી દીધાં છે, સાથે તેઓમાં એક નવી ઊર્જા અને વિશ્વાસનો સંચાર કર્યો છે.
આ રાષ્ટ્રવ્યાપી યાત્રા ૨૫ માર્ચે અમેરિકાનાં શિકાગોથી શરૂ થશે અને ૮૦૦૦ માઈલનો પ્રવાસ ખેડી અમેરિકાનાં ૮૫૧ મંદિરો અને કેનેડાનાં આશરે ૧૫૦ મંદિરોમાં જશે. કેનેડામાં આ યાત્રાની વ્યવસ્થા 'વિશ્વ હિન્દુ પરિષદ ઓફ કેનેડા' સંભાળવાની છે.
અમેરિકાનાં તમામ હિન્દુ મંદિરોની શિર્ષ સંસ્થા 'હિન્દૂ મંદિર સશક્તિકરણ પરિષેદ'ના તેજલ શાહે કહ્યું હતું કે, આ યાત્રાનો ઉદ્દેશ હિન્દુ ધર્મ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો લોકોને હિન્દુ ધર્મ વિષે માહિતી આપવાનો અને તેમને સશક્ત બનાવવાનો છે.
આ રથયાત્રા દ્વારા વિવિધ પંથોના હિન્દુઓને એક છત્ર નીચે લાવવાનો અને હિન્દુ લોકાચાર તથા ધર્મ અંગેની સાચી સમજ પ્રચારવાનો છે. આ આયોજનમાં ભાગ લેવા માટે અનેક યુવાનોએ તેમનાં નામ રજિસ્ટર કરાવ્યાં છે.