અમેરિકામાં નીકળશે ભવ્ય રથયાત્રા, 48 રાજ્યોમાંથી પસાર થઈ 851 મંદિરો સુધી પહોંચશે
વોશિંગ્ટન,તા.22 માર્ચ 2024.શુક્રવાર
અયોધ્યાના મંદિરમાં જ્યારથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી અમેરિકામાં પણ રામ નામની લહેર ચાલી રહી છે.
અહીંયા રહેતા ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે અમેરિકામાં મોટા પાયે રામ મંદિર રથયાત્રાનુ આયોજન કરવાનુ નક્કી થયુ છે. જેનો પ્રારંભ સોમવારે શિકાગોથી થશે. આ રથયાત્રા અમેરિકાના 48 રાજ્યોમાંથી પસાર થશે અને 60 દિવસમાં કુલ 851 મંદિરો સુધી પહોંચશે. આ દરમિયાન રથયાત્રા 8000 માઈલનુ અંતર કાપશે. 23 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે ઈલિનોઈસ રાજ્યમાં તેનુ સમાપન થશે.
વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના મહાસચિવ અમિતાભ મિત્તલના જણાવ્યા અનુસાર આ રથયાત્રા માટે એક વેન પર ખાસ રથ બનાવાયો છે. જેમાં ભગવાન રામ, સિતાજી તેમજ લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. અયોધ્યાથી મંગાવાયેલો પ્રસાદ અને પ્રાણ પ્રતિષ્ઠા વખતે પૂજનમાં મુકાયેલો અક્ષત કળશ પણ સામલ કરવામાં આવશે. રામ મંદિરના ઉદઘાટન બાદ અમેરિકા સહિત દુનિયાભરમાં રહેતા હિન્દુઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે અને તેના પરિણામ સ્વરુપે આ રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
યાત્રાના આયોજનમાં સામેલ અમેરિકાના મંદિરોનુ પ્રતિનિધિત્વ કરતી સંસ્થા હિન્દુ મંદિર સશક્તિકરણ પરિષદના તેજલ શાહે કહ્યુ હતુ કે, આ યાત્રાનો હેતુ હિન્દુ ધર્મ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે અને તેમને શિક્ષિત કરવાનો છે. આ યાત્રાના કારણે તમામ હિન્દુઓને એક થઈને તેમાં ભાગ લેવાની તક મળશે તેમજ હિન્દુ ધર્મનો અમેરિકામાં મહિમા વધશે. યાત્રાના આયોજનમાં સેંકડો ભારતીયો સ્વયંસેવક તરીકે જોડાયા છે.