Get The App

રાજનાથ સિંહ રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા, સંરક્ષણ અને પ્રાદેશિક સલામતી અંગે ચર્ચા કરી

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
રાજનાથ સિંહ રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા, સંરક્ષણ અને પ્રાદેશિક સલામતી અંગે ચર્ચા કરી 1 - image


- રશિયા પહોંચતા વિમાન ગૃહે તેઓનું રશિયન નાયબ સંરક્ષણ મંત્રી અને ભારતના રાજદૂતે સ્વાગત કર્યું

મોસ્કો : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્રેમ્લીનમાં રશિયાના પ્રમુખ પુતિનની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણામાં મુખ્ય ભાગ તો સંરક્ષણ અને પ્રાદેશિક સલામતીનો રહ્યો હતો. વાસ્તવમાં રાજનાથ સિંહ ઇંડીયા-રશિયા ઇન્ટર ગવર્નમેન્ટસ કમિશન ઓન મિલિટરી એન્ડ મિલિટરી ટેકનોલોજી કોઓપરેશન (IRIGC-M&MTC) ની ૨૧મી પરિષદમાં ભાગ લેવા અહીં આવ્યા હતા. દરમિયાન તેઓ રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા. બંને નેતાઓએ સંરક્ષણ અને પ્રાદેશિક સલામતી વિષે સઘન ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પ્રમુખ પુતિનને આપેલા ઉષ્માભર્યા અભિનંદનો પણ પાઠવ્યા હતાં.

પ્રમુખ પુતિન સાથેની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, આપણા બંને દેશો વચ્ચેની મૈત્રી ઊંચામાં ઊંચા પર્વતથી પણ ઊંચી પહોંચી છે અને ઉંડામાં ઉંડા સમુદ્રથી પણ ગહરી બની રહી છે.

આ પૂર્વે રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ સાથે સઘન મંત્રણા કરી હતી.

આ પછી સિંઘે X પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે, IRIGC- M&MTC વિષે રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ સાથે ઘણી ફળદાયી મંત્રણા થઈ હતી. દરમિયાન દ્વિપક્ષીય સંબંધો વિષે પણ વ્યાપક ચર્ચા થઈ હતી.

રાજનાથ સિંહે આ પૂર્વેના દિવસે કલીનીનગ્રાડ ખાતે ભારતની અદ્યતન ફ્રિગેટ આઈ.એન.એસ. તિશુલને તરતી મુકી હતી. તદ્દન અદ્યતન શસ્ત્રોથી સજ્જ તેવી આઈ.એન.એસ.તિશુલ તે એ શ્રેણીની ૭મી ફ્રિગેટ છે.

ભારતના સંરક્ષણ મંત્રી મોસ્કો વિમાનગૃહે પહોંચ્યા ત્યારે રશિયાના નાયબ સંરક્ષણ મંત્રી, એલેકઝાન્ડર ફોલિન અને ભારતના રાજદૂત વેંકટેશ કુમારે તેઓનું વિમાનગૃહે સ્વાગત કર્યું હતું.


Google NewsGoogle News