'ગલવાન જેવી ઘટના ફરીવાર ન બનવી જોઈએ', રાજનાથ સિંહે ચીનના રક્ષામંત્રીને કરી સ્પષ્ટપણે વાત
India - China Relations : ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે લાઓ પીડીઆરની રાજધાની વિયનતિયાનેમાં ચીનના મંત્રી ડોંગ જુન સાથે મુલાકાત કરી. આ બેઠક આસિયાન રક્ષા મંત્રીઓના સંમેલન સમયે થઈ. આ બેઠકમાં બંને દેશ વચ્ચે LAC પર સ્થિતિ અને હાલમાં બનેલી સૈનિકોની વાપસીની સમીક્ષા કરવામાં આવી. આ દરમિયાન રાજનાથ સિંહે ચીનના મંત્રી સાથે સ્પષ્ટપણે વાત કરતા કહ્યું કે, 'ગલવાન જેવી ઘટના ફરીવાર ન બનવી જોઈએ.'
રાજનાથ સિંહે કહ્યું કે, 'ગલવાન જેવી ઘટનાઓથી બચવું જોઈએ.' આ નિવેદન જૂન 2020માં ગલવાન ઘાટીમાં થયેલી સૈન્ય અથડામણ તરફ સંકેત આપે છે, જ્યારબાદ બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા હતા.
ચાર વર્ષ બાદ સૈન્ય વાપસી
ભારત અને ચીનની સેનાઓએ ગત મહિને ડેમચોક અને ડેપસાંગમાં અંતિમ બે વિવાદિત ક્ષેત્રોમાં સૈનિકોની વાપસી પ્રક્રિયા પૂર્ણ કરી. અંદાજિત સાડા ચાર વર્ષ બાદ આ વિસ્તારોમાં બંને પક્ષોએ નિયમિત પેટ્રોલિંગ ફરીથી શરૂ કરી દીધું છે. LACના પાંચ મુખ્ય વિસ્તાર - ગલવાન, પૈંગોંગ, ગોગરા હૉટ સ્પ્રિંગ્સ, ડેપસાંગ અને ડેમચોકમાં સૈન્ય ઘર્ષણથી બંને દેશના સંબંધોને સંપૂર્ણ રીતે અસર કરી હતી. લાંબા કૂટનીતિક અને સૈન્ય વાતચીત બાદ 21 ઓક્ટોબર 2024એ બંને પક્ષો વચ્ચે સ્થિતિને 2020થી પહેલા જેવી હતી તેવી કરવાની સમજૂતી થઈ.
31 ઓક્ટોબર સુધી આ પ્રક્રિયાને પૂર્ણ કરી લેવાશે. ગલવાન ઘાટીની ઘટના બાદ બંને દેશો વચ્ચે સંબંધો ખુબ જ ખરાબ થયા હતા. વિશેષજ્ઞોનું માનવું છે કે, સૈનિકોની વાપસી પ્રક્રિયા અને રાજનાથ સિંહની આ બેઠકથી બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અને વિશ્વાસ વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવી શકે છે.
બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'દુનિયાના બે સૌથી મોટા દેશ ભારત અને ચીન વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધ પર સકારાત્મક અસર પાડશે. બંને દેશ પાડોશી છે અને રહેશે એટલા માટે આપણે સંઘર્ષના બદલે સહયોગ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.'
રાજનાથ સિંહે 2020ની દુર્ભાગ્યપૂર્ણ બોર્ડર અથડામણોથી શીખેલા સબક પર વિચાર કરવા, આવી ઘટનાઓ ફરી બને તેને રોકવાના ઉપાય અને ભારત-ચીન બોર્ડર પર શાંતિ જાળવી રાખવાનું આહ્વાન કર્યું. તેમણે તણાવ ઓછો કરવાના માધ્યમથી બંને પક્ષો વચ્ચે વધુ વિશ્વાસ બનાવવા પર ભાર આપ્યો. બંને પક્ષ એકબીજા પર વિશ્વાસ અને સમજણ જાળવી રાખે તે માટે એક રોડમેપની દિશામાં મળીને કામ કરવા સહમત થયા.
આસિયાન સંમેલનમાં ભાગીદારી
રાજનાથ સિંહની વિયનતિયાનેની ત્રણ દિવસી યાત્રા બુધવારથી શરૂ થઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય આસિયાન રક્ષા મંત્રીઓની બેઠક-પ્લસમાં ભાગ લેવાનો છે. એડીએમએમ-પ્લસ એક મંચ છે, જેમાં 10 દેશોના આસિયાન (દક્ષિણ-પૂર્વ એશિયન રાષ્ટ્રોનું સંગઠન) અને તેના આઠ સંવાદ ભાગીદાર - ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, કોરિયા ગણરાજ્ય, રશિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકા સામેલ છે. લાઓસ એડીએમએમ-પ્લસના હાલના અધ્યક્ષ તરીકે આ બેઠકમાં યજમાની કરી રહ્યા છે.