રાહુલ ગાંધી કૈં પપ્પુ નથી : તેઓનો વિદ્યાભ્યાસ પણ ઘણો છે : તેઓ એક દાર્શનિક નેતા છે : સામ પિત્રોડા
- મહાત્મા ગાંધીજીની વિચારધારા તેઓના અભ્યાસના કેન્દ્રમાં છે
- રાહુલ ગાંધીનું વાંચન વિશાળ છે, દરેક વિષયનું ગહન જ્ઞાન ધરાવે છે : ઘણી વાર તેઓને સમજવા પણ મુશ્કેલ પડે છે
ડલાસ (ટેક્ષાસ) : રાહુલ ગાંધી એક દાર્શનિક નેતા છે. કરોડો રૂપિયા ખર્ચવા છતાં ભાજપ ત્યાં સુધી પહોંચી શકે તેમ નથી. તેઓનો વિદ્યાભ્યાસ પણ ઘણો છે, તેઓનું વાચન વિશાળ છે. ઘણો ગહન વિચાર કરી તેઓ રણનીતિ ઘડે છે. તેઓ લગભગ દરેકે દરેક વિષય પર ગહન જ્ઞાન ધરાવે છે. તેમ ઇંડીયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ અહીં યોજાયેલા ઇંડીયન ડાયાસ્પારા (વિદેશમાં વસતા ભારતીયોનાં) સંમેલન દરમિયાન ઉપસ્થિત શ્રોતાગણને રાહુલ ગાંધીની ઓળખાણ આપતા કહ્યું હતું.
આ સાથે સામ પિત્રોડાએ કહ્યું હતું કે, તેઓનું જ્ઞાન એટલું વિશાળ અને ગહન છે કે ઘણીવાર તેઓને સમજવા પણ મુશ્કેલ બને છે.
વિદ્યાભ્યાસ અંગે તેઓએ કહ્યું હતું કે, ભારતમાં વિદ્યાભ્યાસમાં ગાંધી વિચારધારા અભ્યાસના કેન્દ્રમાં હતી. તેમાં વિવિધતા વચ્ચે એકતા, તે મુખ્ય સુર હતો. આપણે તે સમયે, તે પ્રમાણે જીવ્યા હતા. પરંતુ હવે, સમાજમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે. મૂળભૂત પોત ઉપર જ હુમલા થઈ રહ્યા છે. તેથી હું ઘણો સચિંત છું. પિત્રોડાએ વધુમાં કહ્યું કે, આપણે જાતી, ધર્મ, ભાષા કે રાજ્યના ભેદભાવ રાખ્યા સિવાય પરસ્પર પ્રત્યે આદર અને પ્રેમ રાખીએ. પ્રત્યેક માટે સમાન તકો હોય, શ્રમનું ગૌરવ હોય તે બધાને માટે રાહુલ ગાંધીએ અભિયાન જગાવ્યું છે. મારા માટે તે સૌથી વધુ ખુશીની વાત છે.
આ પછી પિત્રોડાએ રાહુલ ગાંધીને સભાને સંબોધવા આદરપૂર્વક વિનંતિ કરી હતી.