બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વકર્યો : ટી-શર્ટ પહેરવા બદલ મહિલાઓને ડંડાથી મારી
બીચ પર મહિલાઓને ફટકારતા, ઉઠક બેઠક કરાવતા વીડિયો વાયરલ
તાલિબાનની જેમ શરિયા કાયદો લાગુ કરાવવા જમાતના હવાતિયા, શેખ હસીના સામે ૧૫૫મો કેસ દાખલ
ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તાના અંતની સાથે જ કટ્ટરવાદીઓ વધુ આક્રામક બની રહ્યા છે અને કાયદો વ્યવસ્થાનો ખુલ્લેઆમ ભંગ કરવા લાગ્યા છે. બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામીના સભ્યો આતંક મચાવવા લાગ્યા છે અને મહિલાઓને તાલિબાનની જેમ આકરા પ્રતિબંધોનું પાલન કરવા મજબૂર કરી રહ્યા છે. બીચ પર મહિલાઓ ટી-શર્ટ પહેરીને આવે તો પણ તેની સાથે મારપીટ કરી રહ્યા છે. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
બાંગ્લાદેશના મીડિયા ડેલી સ્ટાર દ્વારા આવી ઘટનાઓના આશરે સાત વીડિયોની પુષ્ટી કરી છે. જેમાં જમાત-એ-ઇસ્લામીના સભ્યો દ્વારા કોક્સ બાજારના સમુદ્રી કિનારે અને લાલ દીધી વિસ્તારમાં મહિલાઓ પર હુમલો કર્યો હતો. એક વીડિયોમાં જમાતનો કટ્ટરવાદી ફારુખુલ ઇસ્લામ હાથમાં ડંડા સાથે જોવા મળ્યો હતો. તેની સામે એક ડરેલી મહિલા કાન પકડીને ઉઠક બેઠક કરતો આ વીડિયોમાં જોવા મળી હતી. તેની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જોકે કોઇએ પણ મહિલાઓને બચાવવાનો પ્રયાસ નહોતો કર્યો. આ પ્રકારની સજા તાલિબાન અફઘાનિસ્તાનમાં મહિલાઓને આપતુ આવ્યું છે. જો કોઇ મહિલા ટી-શર્ટમાં જોવા મળે તો તેની સાથે મારપિટ કરવા લાગે છે. બાંગ્લાદેશમાં લઘુમતિઓ અને મહિલાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જોકે તેમ છતા બાંગ્લાદેશની પોલીસ અને પોતાને સુધારાવાદી ગણાવતા મોહમ્મદ યુનુફ ચુપ જોવા મળ્યા હતા.
બીજી તરફ બાંગ્લાદેશથી ભાગીને ભારતની શરણે આવેલા શેખ હસિના સામે બાંગ્લાદેશમાં ફરિયાદો દાખલ કરવાનું શરૂ છે. હસિના અને અન્ય ૫૮ લોકોની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં હસિના સરકારની સામે જે બળવો થયો હતો તે દરમિયાન હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી. શેખ હસિના અને અન્ય ૫૮ની સામે ૨૨ વર્ષીય યુવક ફહિમ ફૈઝલ દ્વારા આ ફરિયાદ દાખલ કરાઇ છે. હસિના સરકારની સામે વિરોધ પ્રદર્શનમાં સામેલ ફૈઝલને ગોળી વાગી હતી. આ સાથે જ શેખ હસિનાની સામે દાખલ ફરિયાદોની સંખ્યા વધીને ૧૫૫ પર પહોંચી ગઇ છે. બાંગ્લાદેશમાં શેખ હસિનાની સરકાર ગયા બાદ આર્થિકથી લઇને સ્વાસ્થ્ય સહિતની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. એવામાં અમેરિકાએ લોકશાહીને જાળવી રાખવા અને પાયાની સુવિધાઓ સારી કરવા માટે બાંગ્લાદેશને ૨૦૨.૨૫ મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકાનું એક ડેલિગેશન બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસને પણ મળ્યું હતું.