Get The App

ભારતીય મૂળની ચાર મહિલાઓ સાથે અમેરિકામાં વંશીય ભેદભાવ, ઝપાઝપી

Updated: Aug 26th, 2022


Google NewsGoogle News
ભારતીય મૂળની ચાર મહિલાઓ સાથે અમેરિકામાં વંશીય ભેદભાવ, ઝપાઝપી 1 - image


- ટેક્સાસમાં મેક્સિકન અમેરિકન મહિલાએ ગન બતાવીને ધમકી આપી 

- ગો બેક ટુ ઈન્ડિયા, મને ભારતીય નાગરિકોથી નફરત છે : વીડિયો વાયરલ થયા બાદ પણ આરોપી મહિલા સામે કોઈ કાર્યવાહી થઈ નથી

વોશ્ગિંટન : અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના ચાર અમેરિકન મહિલાઓ સાથે વંશીય ભેદભાવ થયો હતો અને એક મેક્સિકન-અમેરિકન મહિલાએ ગન બતાવીને આ મહિલાઓને ધમકી આપી હતી. એટલું જ નહીં, ગો બેક ટુ ઈન્ડિયાનો નારો પણ આ આરોપી મહિલાએ લગાવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ભારતીય નાગરિકો સામે અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતના બનાવો વધ્યા છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ચાર ભારતીય મૂળની મહિલાઓ સાથે એક મેક્સિકન અમેરિકન મહિલાએ ગેરવર્તન કર્યું હતું અને તેમને ગન બતાવીને ધમકી આપી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ વીડિયો પ્રમાણે મહિલા બોલતી સંભળાય છે કે ગો બેક ટુ ઈન્ડિયા, હું ભારતીયોને નફરત કરું છું. તમે લોકો આવીને અમેરિકાને બરબાદ કરો છો. તમે માત્ર તમારા સારા ભવિષ્યના સ્વાર્થ માટે અમેરિકામાં આવો છો. હું જ્યાં જાઉં છું ત્યાં તમે ભારતીયો હાજર હોવ છો. જો ભારત એટલું જ મહાન છે તો તમે અહીં શું કામ આવો છો?

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. એ પછી ભારતીય નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો. ભારતીય સંગઠનોએ આ ઘટનાને બહુ જ ગંભીર અને નિરાશાજનક ગણાવી હતી. વીડિયોના કારણે ઓળખ થઈ ગઈ હોવા છતાં આરોપી મહિલા સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. આરોપી મહિલા સામે યોગ્ય પોલીસ કાર્યવાહીની માગણી ભારતીય નાગરિકોમાં ઉઠી છે. સોશિયલ મીડિયામાં એક મહિલાએ સૌપ્રથમ વખત આ વીડિયો શેર કરીને  લખ્યું હતું કે આ ઘટના મારી મમ્મી અને તેની ત્રણ મિત્રો સાથે બની હતી. વીડિયો જે ભારતીય મૂળની મહિલા દેખાય છે તેણે આરોપી મહિલાને વિરોધ ન કરવા અને ગાળી ન દેવાની વિનંતી કરી હતી. આરોપી મહિલાએ ગાળાગાળી કરવા ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન મહિલાઓ સાથે ઝપાઝપી પણ કરી હતી અને ગન બતાવીને ધમકી આપી હોવાનો આરોપ પણ લાગ્યો છે.


Google NewsGoogle News