ઈઝરાયેલ- હમાસ વચ્ચે દોઢ મહિના બાદ પ્રથમ 'યુદ્ધવિરામ' , આવતીકાલથી બંધકોને મુક્ત કરાશે, કતારનો દાવો
કતારના વિદેશ મંત્રાલયે આપી જાણકારી
Israel vs Hamas war | ઈઝરાયલ અને ગાઝા પટ્ટી વચ્ચે સીઝફાયર અંગે સહમતિ સધાઈ ચૂકી છે. આ સીઝફાયરના બદલામાં હમાસ દ્વારા ઈઝરાયલના બંધક બનાવાયેલા 50 લોકોને મુક્ત કરવામાં આવશે. ઉપરાંત કતારે પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ મોટી જાહેરાત કરી હતી. કતારે કહ્યું કે, યુદ્ધવિરામ આવતીકાલે એટલે કે શુક્રવાર (24 નવેમ્બર)થી શરૂ થશે. આવતી કાલથી બંધકોને મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
કતારના વિદેશ મંત્રાલયે આપી જાણકારી
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આવતીકાલે સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યાથી યુદ્ધવિરામ અમલમાં આવશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે બંધકોને મુક્ત કરવામાં આવશે. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 13 લોકોને મુક્ત કરવામાં આવશે. 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલ યુદ્ધનો પ્રથમ વિરામ છે.
નેતન્યાહૂએ આપી નવી ઓફર
દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે નવી શરત રાખી દીધી છે. નેતન્યાહૂએ ઓફર કરી હતી કે હમાસ દ્વારા વધારાના 10 કેદીઓને મુક્ત કરવામાં આવશે તો અમે બદલામાં એક દિવસના સીઝફાયરને અમલી બનાવીશું. એટલે કે બંધકોની મુક્તિ તબક્કાવાર આગળ વધશે તો હમાસ દ્વારા લગભગ વધુ 20 બંધકોને મુક્ત કરાશે અને યુદ્ધવિરામ આગળ વધતું રહેશે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને 1400 લોકોના જીવ લઈ લીધા હતા અને આશરે 240 લોકોને બંધક બનાવી લીધા હતા.