મોસ્કોમાં એલક્સીની શુક્રવારે અંતિમવિધિ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા અંગે મને શંકા છેઃ પત્ની યુલિયા
મોસ્કો,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર રાજકીય વિરોધી એલેક્સી નવલનીનુ રશિયાની જેલમાં શંકાસ્પદ રીતે મોત નીપજયા બાદ તેમનો મૃતદેહ આખરે પરિવારજનોને હવાલે સરકારે કરી દીધો છે.
એલેક્સી નવલનીના અંતિમ સંસ્કાર શુક્રવારે મોસ્કોમાં કરવામાં આવશે. તેમના પત્ની યુલિયાએ પણ આ અહેવાલને સમર્થન આપતા કહ્યુ હતુ કે, દક્ષિણ મોસ્કોના એક ચર્ચમાં અંતિમ વિધિ પહેલાની પ્રાર્થના થશે અને એ બાદ મોસ્કવા નદીની બીજી તરફ અઢી કિલોમીટર દુરના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવશે. મોસ્કોના આ ચર્ચમાં નવલની જતા હતા અને ત્યાં જ તેમની પ્રાર્થના સભા યોજાશે.
જોકે યુલિયાનુ કહેવુ છે કે, અંતિમ સંસ્કાર પણ રશિયાની સરકાર શાંતિપૂર્ણ રીતે થવા દેશે કે કેમ તેની મને આશંકા છે. એલેક્સી નવલનીના મોત માટે પુતિન અને મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિન દોષી છે. પહેલા તો રશિયાની સરકારમાં બેઠેલા લોકોએ એલેક્સી નવલનીને મારી નાંખ્યા, પછી એલેક્સીના શરીર સાથે ચેડા કર્યા અને એ પછી તેમની માતાની મજાક ઉડાવી હતી. હવે તેઓ તેમની યાદશક્તિની પણ હાંસી ઉડાવી રહ્યા છે.
યુલિયાએ યુરોપિયન સંસદમાં આપેલા ભાષણમાં કહ્યુ હતુ કે, મને સ્હેજ પણ વિશ્વાસ નથી કે, મારા પતિની અંતિમ ક્રિયા પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. પોલીસ તેમાં સામેલ થનારા લોકોની ધરપકડ પણ કરી શકે છે.
દરમિયાન નવલનીની નિકટના લોકોએ આરોપ લગાવ્યો હતો કે, રશિયાની સરકાર જ્યાં કાર્યરત છે તે ક્રેમલિન વિસ્તારમાં એક હોલમાં એલક્સીના માનમાં એક પ્રાર્થના સભાનુ આયોજન કરવાના પ્રયાસો સરકારે નિષ્ફળ બનાવ્યા છે.