પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ વિજય સાથે પુતિનની રશિયા પર લોખંડી પક્કડ
- ફરી છ વર્ષ રાજ કરીને પુતિન સ્ટાલિનથી આગળ નીકળી જશે
- હજ્જારો વિરોધીઓએ મતદાન કેન્દ્રો પર બપોરે દેખાવો કર્યા, રશિયામાં વોટિંગ સ્વતંત્ર ન હતું, મતદાન નિષ્પક્ષ ન હતું : અમેરિકા
- પુતિનને પ્રમુખપદની ચૂંટણીમાં 87.8 ટકા વિક્રમજનક મત, નજીકના હરીફને ફક્ત 4 ટકા જ મત, અમેરિકન લોકશાહીની મજાક ઉડાવી
મોસ્કો : રાષ્ટ્રપતિ પુતિને ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવી છે. આ સાથે સત્તા પર તેમની પકડ વધુ મજબૂત બની છે. જોકે તેમના વિરોધીઓએ બપોરે મતદાન કેન્દ્રો પર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જ્યારે અમેરિકાએ કહ્યું કે રશિયામાં ન તો મતદાન સ્વતંત્ર હતું, કે ન તો તે નિષ્પક્ષ હતું.
રશિયાની ખતરનાક જાસૂસી સંસ્થા કે.જી.બી.ના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ પુતિન ૧૯૯૯માં સત્તારૂઢ થયા હતા. ત્યારથી ત્યાં દર છ વર્ષે યોજાનારી ચૂંટણીમાં વિજયી થતા આવ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં વિજયી થયા પછી બીજા છ વર્ષ સુધી આ ૭૧ વર્ષના નેતા રહેશે તો તેઓ પૂર્વ સોવિયેત સંઘના પોલાદી નેતા જોસેફ સ્ટાલિનથી પણ આગળ નીકળી જશે. પુતિને ચૂંટાયા પછીના પ્રથમ ઇન્ટરવ્યુમાં અમેરિકન લોકશાહીની રીતસરની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે એક પ્રમુખ બીજા પ્રમુખને ચૂંટાતો અટકાવવા કેવી રીતે કોર્ટની મદદ લે છે તે સમગ્ર દુનિયા જોઈ રહી છે.
પોપસ્ટર પબ્લિક ઓપિનીયન ફાઉન્ડેશનનાં એક એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે પુતિનને આશરે ૮૭.૮ ટકા મત મળ્યા હતા જે રશિયાના ઈતિહાસમાં નોંધાયેલો સૌથી ઉંચો આંક છે. જ્યારે રશિયન પબ્લિક ઓપીનીયન રીસર્ચ સેન્ટર પુતિનને ૮૭ ટકા મત મળ્યા હોવાનું કહે છે.
વ્હાઈટ હાઉસની નેશનલ સિક્યોરીટી કાઉન્સીલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચૂંટણી દેખીતી રીતે જ નિષ્પક્ષ ન હતી. કારણ કે પુતિને તેમના વિરોધીઓને તો જેલમાં પૂરી દીધા છે. કાં તો ચૂંટણી લડતાં રોક્યા છે. તેમણે યુક્રેન ઉપર કરેલું આક્રમણ બીજા વિશ્વ યુદ્ધ પછીનો સૌથી વધુ ઘાતક સંઘર્ષ છે. પછી ભલે તેઓ યુક્રેન આક્રમણને 'સ્પેશ્યલ મિલીટરી ઓપરેશન' કહેતા હોય. યુક્રેન રશિયાની ઓઈલ રીફાઈનરીઝ ઉપર વારંવાર મિસાઈલ્સ છોડે છે તેનાં દળો ગુપ્ત રીતે રશિયાની સીમામાં વારંવાર ઘૂસતાં જાય છે.