વડાપ્રધાન મોદી અને યુક્રેન યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'જયશંકરે સાચી વાત કરી હતી'
Russia-Ukraine War : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે (19 ડિસેમ્બર) પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે રશિયાની આર્થિક સ્થિતિ, યુક્રેન યુદ્ધ જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પુતિન દર વર્ષે આવી પ્રેસ કોન્ફરન્સ યોજી દેશમાં પોતાના પ્રભુત્વનું પ્રદર્શન કરવા કરે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી અને યુક્રેન યુદ્ધ અંગે વાત કરતા કહ્યું હતું કે, 'જયશંકરે સાચી વાત કરી હતી કે બ્રિક્સ સંગઠન પશ્ચિમ વિરોધી નથી, તે માત્ર પશ્ચિમી નથી.'
દેશની આર્થિક સ્થિતિની માહિતી આપી
પ્રેસ કોન્ફરન્સની શરૂઆત પુતિને દેશની આર્થિક સ્થિતિ વિશે માહિતી આપી કરી હતી. તેમણે કહ્યું કે, 'આ વર્ષે રશિયા લગભગ ચાર ટકાના દરે વૃદ્ધિના માર્ગ પર છે. દેશમાં ફુગાવાનો દર 9.3 ટકાના ઊંચા સ્તરે છે, પરંતુ તેને ઘટાડવા માટે સેન્ટ્રલ બેન્કના પ્રયાસો નોંધ પાત્ર છે અને દેશના અર્થતંત્રની સ્થિતિ 'સ્થિર' છે.'
પીએમ મોદી અંગે શું બોલ્યા?
આ દરમિયાન તેમણે કહ્યું કે, 'ભારતના વડાપ્રધાન મોદી સાથે મારા નજીકના સંબંધો છે. એશિયામાં અમારા ઘણા મિત્રો છે પણ તેમાંય ભારત અને ચીન સૌથી ખાસ છે.' બ્રિક્સ પર વાત કરતી વખતે પુતિને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, 'બ્રિક્સના દેશો કોઈની વિરુદ્ધ કામ નથી કરી રહ્યા. અમે અમારા અને સભ્યો દેશોના હિત માટે કામ કરી રહ્યા છીએ. અમે કોઈપણ પ્રકારનો પ્રતિકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી. આ અંગે જયશંકરે સાચું જ કહ્યું હતું કે બ્રિક્સએ પશ્ચિમ વિરોધી નથી, તે માત્ર પશ્ચિમી નથી.'
યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો
આ પછી તેમણે યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, 'સેના પોતાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે, અમે યુક્રેનમાં વધુને વધુ આગળ વધતા જઇ રહ્યા છીએ. રશિયા યુક્રેન સાથેના સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે વાટાઘાટો કરવા તૈયાર છે પરંતુ યુક્રેને નાટો (NATO) માં જોડાવાની પોતાની ઇચ્છા છોડવી પડશે. જોકે, યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ માગણીને ફગાવી દીધી છે.'
આ પણ વાંચોઃ રશિયાએ કેન્સરની રસી વિકસાવી, આવતાં વર્ષથી દર્દીઓને મફત આપશે