પુતિન સોવિયેત સંઘ પછીની સૌથી સબળ અને સૌથી પ્રચંડ નૌકા કવાયત યોજશે

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
પુતિન સોવિયેત સંઘ પછીની સૌથી સબળ અને સૌથી પ્રચંડ નૌકા કવાયત યોજશે 1 - image


- અમેરિકાને કહ્યું, રશિયાને એશિયામાંથી દૂર કરવાના પ્રયત્નો ન કરશો : રશિયા-ચીન દ્વારા પેસિફિકથી શરૂ કરી ભૂમધ્ય સમુદ્ર સુધી કવાયત

મોસ્કો : સોવિયેત સંઘ સમય પછી હજી સુધીમાં યોજાયેલી સૌથી વિશાળ નૌકાયુદ્ધ- કવાયત શરૂ કરતા રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે રશિયાને એશિયામાંથી દૂર કરવાના પ્રયત્નો ન કરશો.

ચીનના યુદ્ધ જહાજો સાથે યોજાનારી આ વિશાળ ઓશન-૨૦૨૪ યુદ્ધ કવાયત ભૂમધ્ય સમુદ્રથી પેસિફિક મહાસાગર સુધી ફેલાવાની છે. તેમાં યુદ્ધ જહાજોની, યુદ્ધ ક્ષમતા અને તત્પરતા ઉપરાંત અત્યંત આધુનિક શસ્ત્રોની પણ ચકાસણી કરવામાં આવશે.

આ સંબંધે પ્રમુખ પુતિને સંરક્ષણ દળોના વડાઓને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, યુક્રેન-યુદ્ધમાં મળેલા પાઠો ઉપરથી રશિયા તે સ્પેશ્યલ મિલિટરી ઓપરેશન્સ રહેલી ઉણપો પણ દૂર કરવા માગીએ છીએ અને આપણા મિત્ર દેશો સાથે યુદ્ધ કવાયતો શરૂ કરવાના છીએ.

કેટલાક નિરીક્ષકો માને છે કે, સંભવત: રશિયા આ કવાયતમાં ઉત્તર કોરિયા અને કદાચ ઇરાનને પણ જોડે. આમ ધીમે ધીમે ધરી-રાજ્યો ની રચના થવાની સંભાવના નકારી શકાય નહીં.

પ્રમુખ પુતિને લશ્કરી વડાઓને કરેલા સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવો વચ્ચે આ (યુદ્ધ કવાયત) સવિશેષ મહત્વની છે. આપણે જોઈ શકીએ છીએ કે, અમેરિકા કોઇ પણ ભોગે તેનું વૈશ્વિક અને રાજકીય પ્રભુત્વ ચાલુ રાખવા માગે છે.

ચીન સાથે યોજાનારી આ નૌકા યુદ્ધ કવાયત ૧૬મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

રશિયન નેવીના કમાન્ડર એડમિરલ એલેકઝાન્ડરે પ્રમુખ પુતિનને કહ્યું હતું કે, આ કવાયતમાં ૯૦,૦૦૦ જેટલા સૈનિકો, ૪૦૦ થી વધુ યુદ્ધ જહાજો ૧૨૫ જેટલા વિમાનો અને આધુનિક શસ્ત્રાસ્ત્રોના ૭૫૦૦ જેટલા એકમો કાર્યરત રહેશે.


Google NewsGoogle News