'જો ભારત વલણ બદલે તો પુતિને યુદ્ધ બંધ કરવું જ પડશે' : ઝેલેન્સ્કી
- ઝેલેન્સ્કીને ભારત આવવા મોદીનું આમંત્રણ
- 'જો તેઓ (મોદી) પાસે શાંતિ માટે કોઈ વિચાર હોય તો તે સ્વીકારવા અમે તૈયાર છીએ પરંતુ પ્રદેશ અંગે બાંધછોડ અસ્વીકાર્ય છે' : યુક્રેન પ્રમુખ
કીવ : યુક્રેન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગઈકાલે (ભારતીય સમય પ્રમાણે) મોડી સાંજે સઘન મંત્રણા યોજાઈ હતી. જેમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે 'જો ભારત તેનું વલણ બદલે તો પુતિનને યુદ્ધ બંધ કરવા સિવાય અન્ય માર્ગ જ નહીં રહે.' વડાપ્રધાન મોદી સાથેની મંત્રણા પછી યોજેલી પત્રકાર પરિષદમાં ઝેલેન્સ્કીએ આમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.
આમ છતાં ઝેલેન્સ્કીએ તેમ પણ કહ્યું કે ભારત સાથે સંરક્ષણ સહિત અન્ય તમામ ક્ષેત્રોએ કરારો કરવા તો અમે તૈયાર જ છીએ.
આ પૂર્વે નરેન્દ્ર મોદીએ પ્રમુખ ઝેલેન્સ્કીને ખાતરી આપતાં કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસોમાં અમે સાથ આપવા તૈયાર જ છીએ.
આ સંદર્ભમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, 'અમે પણ શાંતિ ઈચ્છીએ જ છીએ, તે માટે કોઈ પણ વિચાર કે સૂચન હોય તે પણ સ્વીકારવા તૈયાર છીએ, પરંતુ અમે અમારી પ્રાદેશિક એકતા અને અખંડિતતા અંગે કોઈ પણ પ્રકારની સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.'
આ ઉપરથી નિરીક્ષકો માને છે કે સંભવ તે પણ છે કે વડાપ્રધાન મોદીએ અત્યારે રશિયાએ હાથ કરેલા પૂર્વ અને દક્ષિણ યુક્રેનના વિસ્તારો તેમજ ૨૦૧૪માં જ તેણે યુક્રેનની દક્ષિણે આવેલા મૂળ યુક્રેનના જ ભાગ તેવા ક્રીલીયન દ્વિપ-કલ્પ ઉપર રશિયાએ જમાવેલો કબ્જો છોડવાની વાત છે. પરંતુ રશિયા તે સ્વીકારે કે કેમ તે કહી શકાય તેમ જ નથી. પરિણામે અત્યારે તો શાંતિ-મંત્રણા ઠેરની ઠેર રહેલી છે, તેવું લાગે છે.
મંત્રણા દરમિયાન મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું જે તેમણે સ્વીકાર્યું પણ હતું.
એક સંભવ તે છે કે મોદી કદાચ પોલેન્ડને યુક્રેનને સમજાવવામાં સફળ રહે જે હવે પછીની વાત છે.