પુતિન યુદ્ધ બંધ કરે નહીં તો વધુ આકરા પ્રતિબંધો ભોગવવા પડશે : ટ્રમ્પ
- શાસન સંભાળ્યાના ત્રીજા જ દિવસે રશિયાને અમેરિકી પ્રમુખની આકરા શબ્દોમાં ચેતવણી
- રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરીને વાતચીતના ટેબલ પર આવે, હવે વધારે જાનહાનિ ન થવી જોઈએ : ટ્રમ્પ
- ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યા પછી ટ્રમ્પનું લક્ષ્ય રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરાવવાનું છે
વોશિંગ્ટન: ટ્રમ્પે વિશ્વમાં તાકાતથી શાંતિ સ્થાપવાની વાત કહી હતી તેનો અમલ કરતાં હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં સફળતા મેળવ્યા પછી હવે રશિયા પર નિશાન સાધ્યુ છે. ટ્રમ્પે રશિયાની રીતસરની ચીમકી જ આપતા જણાવ્યું છે કે રશિયા આ યુદ્ધ બંધ કરે નહીં તો તેના ડામાડોળ થયેલા અર્થતંત્રને અમેરિકાના પ્રતિબંધો એવો ફટકો મારશે કે તેને કળ વળતા કેટલોય સમય વીતી જશે.
અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પદગ્રહણ કર્યાના ત્રીજા જ દિવસે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનને ખુલ્લી ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો આ તર્કહીન યુદ્ધ બંધ નહીં કરો તો તમારે હાઈટેરીફ અને અન્ય બહુવિધ પ્રતિબંધો માટે તૈયાર રહેવું પડશે.
અમેરિકાના ૪૭માં પ્રમુખ તરીકે સોમવાર ૨૦મી જાન્યુઆરીએ શપથ લીધા પછી ત્રીજા જ દિવસે ૨૨મીને બુધવારે પોતાનાં જ સોશ્યલ મીડિયા ધી-ટ્રુથ ઉપર લખતાં જણાવ્યું હતું કે મારે મારા પ્રમુખ પુતિન સાથે ઘણા સારા સંબંધો છે, પરંતુ હવે આ અર્થહીન યુદ્ધ બંધ નહીં કરો તો માટે મારે તમારી હવે ઉપર અન્ય બહુવિધ પ્રતિબંધો મુકવા જ પડશે. તમારાં તેલ અને ગેસની ખરીદી ઉપર તો અત્યારે પ્રતિબંધો જ છે. જો યુદ્ધ બંધ નહીં થાય તો અન્ય પ્રતિબંધો પણ લગાડવામાં આવશે. તેઓએ વધુમાં લખ્યું આપણે જે યુદ્ધ શરૂ થવું જ ન જોઈએ, તેનો (હવે) અંત લાવવો જ પડશે. તે માટે બે માર્ગ છે, સરળ અને કઠોર, આપણે સરળ માર્ગ અપનાવીએ. એક સમજૂતી સાધીએ કે હવે યુદ્ધ આગળ વધવા દેવું નથી. વધુ માનવહાનિ થવા દેવી નથી.
પ્રમુખ ટ્રમ્પે આગળ લખ્યું હું રશિયન લોકોને ચાહું છું, મારે પ્રમુખ પુતિન સાથે ઘણા સારા સંબંધો છે. તે રેડીકલ લેફટ રશિયા હોય કે વર્તમાન (મધ્ય-માર્ગી) રશિયા હોય કે રશિયા પ્રત્યેનું મિથ્યા અનુમાન હોય પરંતુ આપણે તે ભૂલવું ન જોઈએ કે ૬ કરોડ લોકોના જાન લેનાર બીજાં વિશ્વયુદ્ધ સમયે રશિયા એ જ આપણને સહાય કરી હતી. આટલું સ્વીકારવા સાથે તેઓએ તે વર્લ્ડ વાઈડ વેબ ઉપર લખ્યું કે જો તત્કાળ યુદ્ધ વિરામ નહીં થાય તો મારી પાસે રશિયા દ્વારા અમેરિકામાં વેચાતી કોઈ પણ ચીજ ઉપર ટેરિફ ટેક્ષીઝ અને પ્રતિબંધો મૂકયા સિવાય અન્ય કોઈ માર્ગ જ નહીં રહે. આ પ્રતિબંધો પછી અમારા સાથી દેશો પણ મૂકી શકે તેમ છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે રશિયાનું અર્થતંત્ર પણ હચમચી ગયું છે. તેથીજો યુદ્ધ બંધ કરશે તો તે તેને માટે વધુ સહાયક બની રહેશે. નહીં તો પરિસ્થિતિ (આર્થિક પરિસ્થિતિ) આથી પણ વધુ ખરાબ બનવા સંભવ છે.
ઉલ્લેખનીય છે કે, બાઇડેન વહીવટી તંત્રે પણ રશિયાનાં તેલ અને ગેસ ક્ષેત્ર પર (તેની ખરીદી પર) પ્રતિબંધો મૂક્યા હતા, તેથી તેનાં અર્થતંત્રને ફટકો તો પડયો જ હતો.