યુક્રેન યુદ્ધથી પણ પુતિનને જે ન મળ્યું એ શાંતિ મંત્રણાથી મળી જશે! ટ્રમ્પની નીતિથી અનેક દેશોમાં ફફડાટ
- લેટવિયાના વિદેશ મંત્રીનો યુએનમાં આક્ષેપ
- બૈબા બ્રેઝે 'મહાસભા'માં કહ્યું : 14 કરોડની વસ્તી ધરાવતાં રશિયાએ યુક્રેની 20 ટકા ભૂમિ દબાવી દીધી છે ક્રીમીયા તો ક્યારનું યે લઈ લીધું છે
સંયુક્ત રાષ્ટ્રો : લેટવિયાના વિદેશ મંત્રીએ ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, શાંતિ-મંત્રણા દ્વારા પુતિન તે મેળવવા માગે છે કે જે તેઓ યુક્રેન યુદ્ધથી મેળવી શક્યા નથી. એક અમેરિકાને નિર્બળ કરવાનું. સાથે પોતાના નાના પાડોશીઓ ઉપર પોતાનો કાબુ જમાવવાનું.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અમેરિકાની નીતિમાં આમૂલ ફેરફારો કરી રશિયાના પ્રમુખ પુતિન સાથે સીધી વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. તે પૂર્વે રિયાધમાં યોજાયેલી અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓ વચ્ચેની મંત્રણામાંથી જેને માટે મંત્રણા યોજાઈ હતી તે યુક્રેનના જ પ્રતિનિધિઓને અરે ! ખુદ યુક્રેનના પ્રમુખને પણ મંત્રણામાંથી દૂર રાખ્યા હતા. તેટલું જ નહીં પરંતુ, અમેરિકાએ તેના જ સાથી તેવા યુરોપીય દેશોને પણ દુર રાખ્યા હતા. તે સંદર્ભે યુએનમાં પત્રકારોને કરેલા સંબોધનમાં લેટવિયાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ભલે પ્રમુખ ટ્રમ્પને જે માનવું હોય તે માને, પરંતુ આ મંત્રણાથી પુતિને અમેરિકાને નિર્બળ દર્શાવી દીધું છે.
તેઓએ વધુમાં કહ્યું કે ૧૪ કરોડની વસ્તી ધરાવતું રશિયા, યુક્રેનની ૨૦ ટકા ભૂમિ ઉપર કબજો જમાવી બેઠું છે. ક્રીમીયા તો તેણે ક્યારનુંએ (૨૦૧૪થી) કબજે કર્યું છે. માત્ર ૪ કરોડની વસ્તીવાળા યુક્રેનને દબાવે છે. રશિયાએ ૨૪ ફેબુ્ર. ૨૦૨૨ થી યુક્રેન ઉપર વ્યાપક આક્રમણ શરૂ કરી દીધું છે. આ આક્રમણ છતાં તે અમેરિકા કે તેના નાટો સાથીઓને નિર્બળ કરી શકયું નથી. તેથી પુતિન - જે યુદ્ધ દ્વારા સિદ્ધ ન થઈ શક્યું તે- મંત્રણા દ્વારા (તેમને નિર્બળ કરવા) સિદ્ધ કરવા માગે છે.
બાલ્ટિક તટનાં લેટવિયાનાં આ ફાયર બ્રાન્ડ મહિલા પ્રતિનિધિએ વધુમાં કહ્યું, જ્યારે શાંતિની વાત થાય છે ત્યારે મારૃં તો સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે, મુશ્કેલી તો રશિયન્સની છે. કારણ કે રશિયન્સ અમેરિકાને નિર્બળ કરવા માગે છે. તેની સત્તા નબળી કરવાની તેમની નેમ છે. વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો, રશિયા અન્ય દેશોમાં પણ હસ્તક્ષેપ કરવા માગે છે. તેઓ તે પ્રદેશો અને તેની સરકારોની રાજકીય પસંદગી ઉપર પણ પ્રભુત્વ સ્થાપવા માગે છે. ઉદાહરણ તરીકે સીરીયા. તેણે સીરીયામાં લશ્કરી થાણાઓ સ્થાપ્યા હતાં. અસદને હાથમાં રાખી ભૂમધ્ય સમુદ્ર પર સીધી નજર રાખવા માગતું હતું. પરંતુ ૩ વર્ષના યુદ્ધ પછી પણ તેઓ યુક્રેનમાં તેમનું ધાર્યું કરી શક્યા નથી. તે તેઓ મંત્રણાના માર્ગે સિદ્ધ કરવા માગે છે. આથી કોઈ પણ સમજૂતી (ટ્રમ્પ-પુતિન વચ્ચેની) ઉપર સતત ધ્યાન રાખવું અનિવાર્ય છે.