પ્રાઈવેટ આર્મી ચીફ પ્રિગોઝિનનુ મોત વિમાનમાં ગ્રેનેડ ફાટવાના કારણે થયુ હતુ, પુતિને કર્યો નવો ખુલાસો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
પ્રાઈવેટ આર્મી ચીફ પ્રિગોઝિનનુ મોત વિમાનમાં ગ્રેનેડ ફાટવાના કારણે થયુ હતુ, પુતિને કર્યો નવો ખુલાસો 1 - image

image : Socialmedia

મોસ્કો,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સામે બળવો કરવાની હિંમત દાખવનાર પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રૂપના ચીફ યેવેગની પ્રિગોઝિનનુ એ પછી થોડાક જ દિવસમાં વિમાન અકસ્માતમાં મોત થયુ હતુ. 

હવે તેના મોત પર પુતિને પોતે મોટો ખુલાસો કર્યો છે. પુતિને કહ્યુ છે કે, પ્રિગોઝિનનુ મોત પ્લેનમાં થયેલા ગ્રેનેડ બ્લાસ્ટના કારણે થયુ છે. કારણકે આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના શરીરમાંથી ગ્રેનેડના કેટલાક ટુકડા મળ્યા છે. જોકે આ અકસ્માતની તપાસ હજી સુધી પૂરી થઈ નથી. 

પુતિનનુ કહેવુ હતુ કે, પ્લેનમાં લઈ જવાયેલા ગ્રેનેડ પૈકી એક ગ્રેનેડ ફાટયો હતો અને તેના કારણે પ્લેન ક્રેશ થયુ હતુ તેવુ મનાઈ રહ્યુ છે. કારણકે આ અકસ્માતની તપાસ કરી રહેલા નિષ્ણાતોને વિમાનમાં ખામી સર્જાઈ હોવાના કોઈ પૂરાવા હજી મળ્યા નથી. 

ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટે સર્જાયેલા વિમાન અકસ્માતમાં પ્રિગોઝિન સહિત દસ લોકોના મોત થયા હતા. એ પછી અમેરિકાએ તો પ્રિગોઝિનના મોત માટે પુતિન તરફ જ આંગળી ચીંધી હતી. કારણકે પ્રિગોઝિને પુતિન સામે બળવાની ધમકી આપી હતી. જોકે એ પછી બંને વચ્ચે સમાધાન પણ થયુ હતુ. 

પુતિને પ્રિગોઝિનના મોતમાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કરી દીધો હતો. પુતિનના સંરક્ષણ હેઠળ જ પ્રિગોઝિને પોતાની પ્રાઈવેટ આર્મી ઉભી કરી હતી અને યુક્રેન મોરચા પર આ સૈનિકો રશિયા વતી લડી રહ્યા હતા. 


Google NewsGoogle News