'હું શરત વિના યુદ્ધ ખતમ કરવા તૈયાર...', ટ્રમ્પના શપથગ્રહણ પહેલાં જ પુતિનનું મોટું એલાન
Russia-Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને રાહતના સમાચાર આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, 'અમે યુક્રેન પર યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં સમાધાન કરવા તૈયાર છે.' નોંધનીય બાબત એ છે કે પુતિને કહ્યું કે, 'અમારી પાસે યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરવા માટે કોઈ શરતો નથી.'
'રશિયા શાંતિપૂર્ણ રીતે બેઠક કરવા તૈયાર'
એક મીડિયા ઈન્ટરવ્યુમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, 'રશિયા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે વાટાઘાટો કરવા તૈયાર છે. પરંતુ યુક્રેન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં જોડાવાની તેની ઈચ્છા છોડવી જોઈએ.' જો કે યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ માંગણીઓને ફગાવી દીધી છે.
આ પણ વાંચો: હમાસ-હિઝબુલ્લાહ અને સીરિયા બાદ હવે આ દેશની પાછળ પડ્યો ઈઝરાયલ, કરી તાબડતોબ એરસ્ટ્રાઈક
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, અમે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટો માટે તૈયાર છે, જેમણે યુક્રેનમાં સંઘર્ષને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. જો અમે ટ્રમ્પને મળીશું તો અમારી પાસે ચર્ચા કરવા માટેના મુદ્દા હશે. રશિયા યુક્રેન પર સંભવિત શાંતિ મંત્રણામાં સમાધાન માટે તૈયાર છે અને વાતચીત જમીની સ્થિતિ પર આધારિત હોવી જોઈએ.
'લશ્કરી અભિયાનને કારણે રશિયા મજબૂત બન્યું'
વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે, 'યુક્રેનમાં અમારી સૈન્ય અભિયાનથી રશિયા મજબૂત બન્યું છે. અમે હંમેશા કહ્યું છે કે અમે વાતચીત અને સમાધાન માટે તૈયાર છીએ. વર્ષ 2022માં જ્યારે યુક્રેન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે રશિયા હાલમાં તેના કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે. રશિયન દળો યુક્રેનમાં તેમના પ્રાથમિક ઉદ્દેશ્યો હાંસલ કરવા આગળ વધી રહ્યા હોવા છતાં, તેઓ વાતચીત અને સમાધાન માટે તૈયાર છે.'
ટ્રમ્પે આ વાત કહી હતી
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમેરિકાના ભાવિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (20મી જાન્યુઆરી, 2025ના રોજ શપથ લેશે)એ યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં સીરિયાની તાજેતરની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે 'અસદ સત્તા ગુમાવી ચૂક્યા છે, ઘણાં લોકોના મોત થયા છે, યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ થવો જોઈએ.'