મર્દ ટ્રમ્પ સાથે મંત્રણા કરવા પુતિન તૈયાર, કહ્યું : યુક્રેન અંગે શાંતિની આશાઓ વધી છે
- રશિયાના સોચી શહેરમાં યોજાયેલી ''પોલીસી-ફોરમ''ની મિટીંગમાં રશિયાના પ્રમુખે ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરી
સોચી (રશિયા) : અમેરિકાના પ્રમુખ પદની ચુંટણીમાં વિજય મેળવવા માટે રશિયાના પ્રમુખ પુતિને ડૉનાલ્ડ ટ્રમ્પને અભિનંદનો પાઠવ્યા હતા. સાથે કહ્યું હતું કે તેઓ ''મર્દ ટ્રમ્પ સાથે મંત્રણા કરવા તૈયાર છે. સાથે આશા વ્યક્ત કરી હતી કે હવે યુક્રેન-યુદ્ધમાં શાંતિ સ્થપાવાની આશાઓ વધી છે.
અમેરિકાની ચુંટણીમાં પરિણામો પછી આપેલા સૌથી પહેલા પ્રતિભાવોમાં, ડૉનાલ્ડ ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરવા સાથે પ્રમુખ પુતિને કહ્યું હતું કે તેઓ પ્રમુખ પદે આવતા રશિયા-અમેરિકા સંબંધો સુધારશે અને યુક્રેન યુદ્ધની સમાપ્તિ થવાની આશા વધશે.''
પોતાના લંબાણપૂર્વકના વક્તવ્યના અંતે પ્રશ્નોત્તરી દરમિયાન પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે પ્રમુખ તરીકે ચુંટાવા માટે મેં ટ્રમ્પને અભિનંદનો આપ્યા હતા. સાથે આશા વ્યક્ત કરી હતી કે, તમારી જેવી હિંમતવાન વ્યક્તિ અમેરિકાના પ્રમુખ પદે આવતા હવે યુક્રેન યુદ્ધમાં શાંતિની તકો વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓના ચુંટણી પ્રવચનોમાં વારંવાર કહ્યું હતું કે તેઓ યુક્રેનને અપાતી લશ્કરી અને આર્થિક સહાય બંધ કરવાના છે.
વાસ્તવમાં યુક્રેન અમેરિકાની શસ્ત્ર અને નાણાંની સહાયથી જ યુદ્ધ લડી રહ્યું છે. ટ્રમ્પ સત્તા પર આવતા તે સહાય બંધ થશે. તે નિશ્ચિત છે. તેથી યુક્રેનને નાછૂટકે યુદ્ધ બંધ કરવું જ પડશે. બીજી તરફ ટ્રમ્પ તેમના ગાઢ મિત્ર નરેન્દ્ર મોદી દ્વારા રશિયાને આક્રમણ બંધ કરવા સમજાવી શકે તેમ છે. મોદી ઝેલેન્સ્કીને પણ રશિયામાંથી યુક્રેનના વિસ્તારો રશિયાને સોંપી શાંતિ માટે માર્ગ મોકળો કરવા ઝેલેન્સ્કીને સમજાવી શકે તેમ છે.