યુદ્ધના રણસંગ્રામમાં પુતિનનું નવું ફરમાન: વૃદ્ધાવસ્થા રોકવાની દવા બનાવવા વૈજ્ઞાનિકોને આદેશ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
Vladimir Putin


Vladimir Putin: યુક્રેન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન વૈજ્ઞાનિકોને વૃદ્ધત્વ વિરોધી દવા બનાવવાનો આદેશ આપ્યો છે. અહેવાલ અનુસાર પુતિન પોતાની અને સરકારમાં ઘણા વૃદ્ધ પ્રધાનોની વૃદ્ધાવસ્થાને રોકવા માંગે છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વર્ષે જૂનમાં વૈજ્ઞાનિકોને આ સૂચનાઓ આપી હતી. દવા શોધવાની સાથે અમુક ચોક્કસ ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે જેમાં પ્રથમ છે કે, વર્ષ 2030 સુધીમાં 175,000 વૃદ્ધોને યુવાન બનાવવામાં આવે. બીજી તરફ પુતિન સરકારનો પત્ર મળ્યા બાદ વૈજ્ઞાનિકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, આટલી ટૂંકી નોટિસ પર આવો આદેશ પ્રથમ વખત મળ્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનની ઉંમરને લઈને ઘણી ચિંતા છે કારણકે, યુદ્ધમાં સતત યુવાનો માર્યા ગયા બાદ હવે રશિયામાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. રશિયાની ફેડરલ સ્ટેટ સ્ટેટિસ્ટિક્સ સર્વિસ (રોસસ્ટેટ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર દેશનું સરેરાશ આયુષ્ય જુલાઈ 2023 અને જૂન 2024 વચ્ચે ઘટીને 73.24 વર્ષ થઈ ગયું છે.

ગત મહિને, એમઆરસી લેબોરેટરી ઓફ મેડિકલ સાયન્સ, ઈમ્પીરીયલ કોલેજ લંડન અને સિંગાપોરની ડ્યુક-એનયુએસ મેડિકલ સ્કૂલના સંશોધકોએ એવો દાવો કર્યો હતો કે, એક એવી દવા શોધાઈ છે જે વૃદ્ધોને યુવાન બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. સંશોધકોએ પ્રયોગશાળામાં ઉંદર પર આ દવાનો પ્રયોગ કર્યો અને જાણવા મળ્યું કે દવા પછી ઉંદર વૃદ્ધમાંથી યુવાન થઈ ગયો છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, દવા પ્રાણીઓના જીવનકાળને લગભગ 25% સુધી વધારી શકે છે. જોકે હજી આ દવાનું માનવ શરીર પર ટ્રાયલ કરવામાં નથી આવ્યું અને મનુષ્યો પર વાપરવામાં આવે તો શું અસર થશે તેની પણ કોઈ માહિતી વૈજ્ઞાનિકોએ નથી આપી.

તાજેતરમાં મોસ્કોમાં જ રશિયાના નાયબ વડાપ્રધાન તાત્યાના ગોલીકોવાએ લાંબા આયુષ્યને પ્રોત્સાહન આપતી અને વૃદ્ધાવસ્થામાં રોગોને અટકાવતી અત્યાધુનિક તકનીકોમાં રોકાણ કરવાની સરકારની યોજના લોન્ચ કરી હતી. આ પછી સરકારે વૈજ્ઞાનિકોને સ્વદેશી ધોરણે વૃદ્ધાવસ્થા અટકાવતા પ્રોજેક્ટ પર કામ કરવાની સૂચના આપી છે.

પુતિનના પત્ર પર રશિયન વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

પુતિનના આ ફરમાન પર એક રશિયન વૈજ્ઞાનિકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, કેવી રીતે વૃદ્ધોને યુવાન બનાવતી દવા વિકસાવવા માટે અમારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દવાના ક્લિનિકલ ટ્રાયલ માટે પણ સમય મર્યાદા ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે. આ પ્રથમ વખત શોર્ટ ડેડલાઈનનો એકતરફી આદેશ સાથેનો પ્રોજેક્ટ આવ્યો છે કારણકે સામાન્ય રીતે, કોઈપણ રાષ્ટ્રીય પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સૂચના આપતા પહેલા નિષ્ણાતોની બેઠકો થાય છે અને પછી ચર્ચા-વિચારણા બાદ આદેશ આપવામાં આવે છે. આ વખતે આ કોઇ પ્રોટોકોલ ફોલો થયા નથી.

આ પણ વાંચો: પૂરથી સેંકડોના મોત થતાં સરમુખત્યાર કિમ જોંગે 30 અધિકારીને ફાંસીના માચડે લટકાવી દેતા હડકંપ


Google NewsGoogle News