યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનો મિસાઇલ ઉત્પાદન ફરી શરુ કરવા આદેશ
- અમેરિકા સાથેના સંબંધો વણસતા કરાર ફરી થવાની આશા નહીં
- રશિયાએ તેને ત્યાં રહેતા દસ હજાર માઇગ્રન્ટ્સને યુક્રેનમાં લડવાની ફરજ પાડી, કેટલાય દેશ છોડી ભાગી ગયા
- યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં પાંચના મોત
મોસ્કો : અમેરિકા સાથેની સંધિ ખતમ થવાના પગલે રશિયન પ્રેસિડેન્ટ વ્લાડીમીર પુતિને ઇન્ટરમીડિયેટ રેન્જના મિસાઇલનું ફરીથી ઉત્પાદન શરુ કરવા માટે આદેશ આપ્યો છે. આ સંધિ હેઠળ ઇન્ટરમીડિયેટ રેન્જના મિસાઇલનું ઉત્પાદન પ્રતિબંધિત હતું. ૧૯૮૮માં ગોર્બોચોવ અને રેગને કરેલી સંધિ મુજબ ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી હેઠળ ૫૦૦થી ૫,૫૦૦ કિ.મી.ના મિસાઇલોનું ઉત્પાદન પ્રતિબંધિત હતું.
અમેરિકાએ ૨૦૧૯માં રશિયા સાથેની આ સંધિ ખતમ કરી દીધી હતી, રશિયાએ તેનો ભંગ કર્યો હોવાનું કારણ આપીને તેણે આ સંધિ રદ કરી દીધી હતી.
પુતિને જણાવ્યું હતું કે અમેરિકાએ આ સંધિ ખતમ કરી દીધી હોવા છતાં પણ રશિયાએ આ મિસાઇલોનું ઉત્પાદન કર્યુ ન હતું, પરંતુ આજે અમેરિકા આ મિસાઇલોનું ફક્ત ઉત્પાદન જ કરી રહ્યું છે એટલું જ નહીં તેને યુરોપ પણ લઈ આવ્યું છે અને તેને લઈને કવાયત કરી રહ્યું છે. તાજેતરમાં જ તેણે ફિલિપાઇન્સમાં પણ આ મિસાઇલ ગોઠવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રશિયાએ તેને ત્યાં નાગરિક બનેલા માઇગ્રન્ટ્સમાંથી દસ હજાર લોકોને યુક્રેન મોરચે લડવાની ફરજ પાડી છે. જ્યારે કેટલાક માઇગ્રન્ટ્સે લડવાના બદલે દેશ છોડી જવાનો નિર્ણય કર્યો હતો.
રશિયા પર આરોપ છે કે તે સેન્ટ્રલ એશિયન માઇગ્રન્ટ્સને તેના લશ્કરી દળોમાં જોડાવવાની ફરજ પાડી રહ્યું છે. તેણે યુક્રેન સામેના લશ્કરી અભિયાન માટે જબરદસ્ત ભરતી અભિયાન હાથ ધર્યુ છે. તેમા માઇગ્રન્ટ્સ પર પણ નજર દોડાવી છે.
રશિયાએ તેને ત્યાં શ્રમિકોની અછતના લીધે માઇગ્રન્ટ્સને ત્યાં વસવાના નિયમો ઉદાર બનાવ્યા છે. આવા કેટલાય સેન્ટ્રલ એશિયનોને રશિયાનું નાગરિકત્વ આપ્યું છે.
આ ઉપરાંત યુક્રેનિયન ડ્રોને રશિયાના કુર્સ્ક વિસ્તાર પર કરેલા હુમલામાં પાંચના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં બે બાળકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન યુક્રેનની એરફોર્સે રશિયાના દસ ડ્રોન તોડી પાડયાનો દાવો કર્યો છે.