રઇસીનું નિધન હત્યાનું કાવતરૂં ઘડાયું હોવાના અહેવાલથી પુતિન ખુલ્લેઆમ અમેરિકા પર તૂટી પડયા
- ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઈસીનાં નિધને વંટોળ જગાવ્યો છે
- રશિયાના મિત્ર દેશ ઇરાનના પ્રમુખનાં હેલિકોપ્ટરને નડેલા અકસ્માતનું કારણ શોધવા ઇરાનને સંપૂર્ણ સહમતી પુતિનની ખાત્રી
મોસ્કો : રશિયાના મિત્ર દેશ ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઈસીનાં હેલિકોપ્ટર અકસ્માતમાં થયેલાં મૃત્યુથી રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન ખરેખરા ધૂંધવાયા છે. કારણ કે એવા પણ અહેવાલો વહેતા થાય છે કે તે હેલિકોપ્ટરને થયેલો અકસ્માત તે સાદો અકસ્માત ન હતો પરંતુ તે પાછળ બહુ મોટું કાવતરૂં ઘડાયું હતું.
તે સર્વવિદિત છે કે ઇરાન અને અમેરિકા વચ્ચે દુશ્મનાવટ જ પ્રવર્તે છે. રશિયા અને અમેરિકા તો, કોલ્ડવોરના સમયથી દુશ્મનો છે. તેવામાં અમેરિકાના કેટલાક અધિકારીઓએ કરેલી કેટલીક ટીકાઓ ઉપરથી સીધું તારણ કેટલાક તેવું કાઢે છે કે, આ વિધાનો દર્શાવે છે કે જાણે અમેરિકાને ઇબ્રાહીમ રઈસીના નિધનથી સંતોષ થયો છે.
રશિયાના પ્રમુખ પુતિન સુધી આ વાત પહોંચતાં તેઓને તે અકસ્માતમાં અમેરિકાનો જ હાથ હોવાની પૂરી શંકા ગઇ હતી. તેથી આડકતરી રીતે તેઓએ અમેરિકા ઉપર ધૂંધવાટ કાઢતાં કહ્યું હતું કે આ હેલિકોપ્ટર અકસ્માતનું સાચું કારણ શોધવામાં રશિયા ઇરાનને સંપૂર્ણ સહાય કરવા તૈયાર છે.
ટૂંકમાં આ અકસ્માતે બે મહાસત્તાઓ વચ્ચેની ખાઈ વધુને વધુ ઊંડી બનાવી દીધી છે. તેમ કહેતાં વિશ્લેષકો જણાવે છે કે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધો તથા ચીન-તાઈવાન વચ્ચે પ્રવર્તતી અસામાન્ય તંગદિલીએ વિશ્વને બે ભાગમાં વહેંચી નાખ્યું છે. વિશ્વ ફરી એક વખત દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ઉપસ્થિત થયેલી કોલ્ડ વૉર (શીત-યુધ્ધ)ની સ્થિતિ તરફ ઘસડાઈ રહ્યું છે.