Get The App

યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં પુતિનને રસ નથી : ટ્રમ્પ

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં પુતિનને રસ નથી : ટ્રમ્પ 1 - image


- રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતીની તૈયારીનો દાવો કર્યાના બીજા દિવસે અમેરિકન પ્રમુખના રશિયા પર નવા પ્રતિબંધોના સંકેત

- રશિયા પર બેન્કિંગ સહિતના પ્રતિબંધોની ટ્રમ્પની ધમકી વચ્ચે રશિયાએ યુક્રેન સાથે શરતો વિના શાંતિ વાટાઘાટોની તૈયારી દર્શાવી

- યુક્રેનના રહેણાંક વિસ્તારો પર રશિયાના મિસાઈલ-રોકેટ હુમલાની ટ્રમ્પે ઝાટકણી કાઢી

- વેટિકનમાં પોપના ફ્યુનરલ પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથેની બેઠકને ઝેલેન્સ્કીએ સકારાત્મક ગણાવી

રોમ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવ્યાના ૨૪ કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી દેવાનો દાવો કર્યો હતો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ શરૂ કર્યાના લગભગ ત્રણ  મહિના પછી પણ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ છે. ટ્રમ્પના તમામ પ્રયાસો છતાં રશિયા-યુક્રેન યુદ્ધ હાલ બંધ થવાના કોઈ સંકેતો દેખાતા નથી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ હવે રશિયા-યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થીમાંથી પીછેહઠ કરવાના સંકેત આપ્યા હોય તેમ શનિવારે કહ્યું કે, યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં પુતિનને કોઈ રસ હોય તેમ જણાતું નથી. ટ્રમ્પે એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે રશિયા-યુક્રેન શાંતિ સમજૂતી ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પોપ ફ્રાન્સિસની અંતિમ ક્રિયામાં સામેલ થવા રોમ પહોંચ્યા હતા. વેટિકનમાં પોપ ફ્રાન્સિસના ફ્યુનરલમાં હાજરી આપ્યા પછી અમેરિકા પાછા ફરતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રમુખનું અપમાન કર્યા પછી ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે આ પહેલી મુલાકાત હતી. આ બેઠક પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર યુક્રેનના રહેણાંક વિસ્તારો પર રશિયાના હુમલાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, રશિયાના પ્રમુખ પુતિન કદાચ યુદ્ધ રોકવા માગતા નથી. 

સાથે ટ્રમ્પે આક્ષેપ પણ કર્યો કે રશિયા છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે. તેની સાથે અલગ રીતે કામ પાર પાડવું પડશે. ટ્રમ્પે લખ્યું કે, યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં મિસાઈલોથી હુમલા કરવાનું કોઈ કારણ નહોતું. મને લાગે છે કે કદાચ પુતિન યુદ્ધ રોકવા માગતા નથી. તેઓ બસ મને લલચાવી રહ્યા છે. તેમની સાથે બેન્કિંગ અથવા સેકન્ડરી પ્રતિબંધોના માધ્યમ જેવી અલગ રીતોથી કામ પાર પાડવું પડશે. આ યુદ્ધમાં સેંકડો લોકો મરી રહ્યા છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક દિવસ પહેલાં જ કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધમાં સમજૂતી કરાવવાના અમેરિકાના પ્રયત્નો સતત ચાલુ છે. ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વીટકોફ શુક્રવારે મોસ્કોમાં પુતિનને મળ્યા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, યુક્રેન અને રશિયા શાંતિ સમજૂતી કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. જોકે, બીજા જ દિવસે ટ્રમ્પે પુતિનની ઝાટકણી કાઢી હતી.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ ટ્રમ્પ સાથેની બેઠક પછી કહ્યું કે, ટ્રમ્પ સાથેની બેઠક સારી રહી. અમે આમને-સામને ખૂબ ચર્ચા કરી. અમે ચર્ચામાં જે પણ કંઈ કવર કર્યું છે, તેના પરિણામોની આશા છે. અમારા લોકોના જીવનનું રક્ષણ, પૂર્ણ અને કોઈપણ શરત વિના યુદ્ધ વિરામ, વિશ્વસનીય અને સ્થાયી શાંતિ જે વધુ એક યુદ્ધને રોકવામાં મદદ કરશે. જો અમે સંયુક્ત પરિણામ મેળવીશું તો આ ખૂબ જ પ્રતિકાત્મક બેઠક ઐતિહાસિક બનવાની ક્ષમતા ધરાવે છે. આભાર પોટુસ.

દરમિયાન રશિયાએ શનિવારે યુક્રેન સાથેના યુદ્ધ અંગે કોઈપણ પૂર્વ શરત વિના શાંતિ વાટાઘાટો માટે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. 

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે શનિવારે કહ્યું કે, પ્રમુખ વ્લાદિમિર પુતિન શુક્રવારે મોસ્કોમાં અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકોફને મળ્યા હતા, જેમાં પુતિને કોઈપણ શરત વિના યુક્રેન સાથે વાટાઘાટો શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

Tags :