યુક્રેન યુદ્ધનું ભવિષ્ય જાણવા પુતિન તાંત્રિકને મળ્યા હોવાનો દાવો, લાંબી ઉંમર માટે કરાવી વિધિ
ધરપકડ થવાનું જોખમ હોવા છતાં પુતિને મોંગોલિયાની મુલાકાત લીઘી હતી
વિશ્વમાં સાઇબેરિયા અને મોંગોલિયાના તાંત્રિકોના ગઢ ગણાય છે
મોસ્કો, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪, શુક્રવાર
અંધ વિશ્વાસ ગરીબ અને અભણ નહીં મહાનુભાવો અને ધનાઢ્યો પણ ધરાવતા હોય છે. અંધ વિશ્વાસ દૂર કરવા માટે દુનિયા ભરમાં પ્રયત્નો ચાલતાં હોવા છતાં તેમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ અને સર્વ સત્તાધીશ તરીકેની ઓળખ ધરાવતાં વ્લાદિમીર પુતિને સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં મોંગોલિયા દેશની મુલાકાત લીધી ત્યારે સાઇબેરિયાના જાદુગરો અને તાંત્રિકોને પણ મળ્યા હતા.
રશિયામાં રશિયન સરકારના ટીકાકારો અને કેટલાક બ્લોગર્સના જણાવ્યા અનુસાર યુક્રેન યુદ્ધનું ભવિષ્ય શું છે તે જાણવા માટે પુતિન તાંત્રિકોને મળ્યા હતા. આ ઉપરાંત લાંબી ઉંમર માટે કેટલીક વિધિઓ કરાવી હતી. ગત વર્ષે માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ બહાર પાડ્યા પછી પુતિનની આ પ્રથમ વિદેશયાત્રા હતી. મોંગોલિયા આમ તો આઇસીસીનો સભ્ય દેશ છે તેમ છતાં પુતિનની ધરપકડ કરવાનું જોખમ ટાળ્યું હતું. પુતિન જાણતાં હોવા છતાં તાંત્રિકોને મળવા માટે જ મોંગોલિયા પ્રવાસનું જોખમ માથે લીધું હતું.
ટીવી ડોજ્ડના સંસ્થાપક મિખાઇલે દાવો કર્યો હતો કે પુતિન શકિતશાળી જાદુગરોની સલાહ માટે સાઇબેરિયા જતાં પહેલાં તુવામાં રોકાયા હતા. મિખાઇલના જણાવ્યા અનુસાર સાઇબેરિયા અને મોંગોલિયાને દુનિયાના સૌથી શકિતશાળી જાદુગરોનો ગઢ માનવામાં આવે છે. પુતિનની સમગ્ર વ્યવસ્થા તેમના મુખ્ય સહયોગી મિખાઇલ કોવલચૂકે કરી હતી. મિખાઇલ જગરે એવો પણ દાવો કર્યો હતો કે પુતિન આત્માઓની નારાજગીના ડરથી પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતાં ડરે છે. ક્રેમલિનના પૂર્વ ભાષણ લેખક અબ્બાસ ગેલ્યામોવે પણ સૂર પુરાવ્યો હતો કે પુતિનને લાંબી ઉંમર ઉપરાંત પુર્નજન્મ અંગેના સવાલોમાં વિશેષ રસ પડ્યો હતો. પુતિનને ક્રેમલિનના કારા ઉલ ડોપટુન ઉલ નામના જાદુગર સાથે પણ સારા સંબંધો રહ્યા છે, એ જોતાં તે જાદુ ટોણા અને તાંત્રિક વિધિમાં માનતા હોવાનું ચર્ચાય છે. (પ્રતિકાત્મક તસ્વીર)