પુતિન ડેમોક્રેટિક ઉમેદવાર 'કમલા હેરિસ' તરફ ઝુકે છે, કહ્યું તેઓનું હાસ્ય ભાવભર્યું છે મનને વળગી રહે તેવું છે

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
પુતિન ડેમોક્રેટિક ઉમેદવાર 'કમલા હેરિસ' તરફ ઝુકે છે, કહ્યું તેઓનું હાસ્ય ભાવભર્યું છે મનને વળગી રહે તેવું છે 1 - image


- હાસ્ય તે તેઓની નિશાની છે : તેવો રશિયા ઉપર વધુ પ્રતિબંધો નહીં મૂકે : પુતિને આ સાથે બાયડેનની પણ પ્રશંસા કરી

નવી, દિલ્હી : ૨૦૨૪ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ તરફી ખુલ્લેઆમ ઝુકાવ દર્શાવી રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને વિવાદનો વંટોળ સર્જી દીધો છે. તેઓએ કમલા હેરિસની પ્રશંસા કરતાં વ્લાડીવોસ્ટોકમાં એક 'ઈકોનોમિક ફોરમ' સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને બદલે કમલા હેરિસ આવે તેમ ઈચ્છે છે. હેરિસની પ્રશંસા કરતાં કહ્યું, તેઓનું હાસ્ય જ ભાવભીનું હોય છે, મનને વળગી રહે તેવું હોય છે. આ સાથે પ્રમુખ પુતિને કહ્યું તેઓનો વિજય રશિયા માટે લાભકારી બની રહેશે. તમો જો મારા ફેવરિટ કોણ છે તેમ પૂછશો તો હું કહીશ મારા મનગમતા પ્રમુખ તો જો બાયડેન છે. પરંતુ તેઓ તો સ્પર્ધામાંથી ખસી ગયા છે. તેઓએ તેઓના તમામ સમર્થકોને કહ્યું હતું કે, 'તમો કમલાને સમર્થન આપજો' તો, અમે તેઓને જ સમર્થન આપીશું.

૭૧ વર્ષના પુતિને કમલાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, તેઓ એટલા ખુલ્લાં મને હસે છે કે તે મનને લાગી જાય છે, તેટલું તેઓનું હાસ્ય ભાવવાહી છે, હું માનું છું કે તેઓ રશિયા ઉપર પ્રતિબંધો નહીં મુકે તેઓ તો સંપૂર્ણત: શ્રેષ્ઠ જ છે.

કમલા હેરિસની ભારોભાર પ્રશંસા કર્યા પછી તેથી તદ્દન વિરોધાભાસ રીતે પુતિને ટ્રમ્પની ટીકા કરી હતી અને કહ્યું ટ્રમ્પે રશિયા ઉપર અનેકવિધ પ્રતિબંધો મુક્યા હતા. અનેક અવરોધો પણ ઊભા કર્યા હતા, કોઈ પણ પ્રમુખે મુકેલા પ્રતિબંધો અને અવરોધો કરતાંએ તે ઘણાં વધુ હતા. આમ કહેવા છતાંયે પ્રમુખ પુતિને કહ્યું હતું કે આખરી નિર્ણય તો અમેરિકાના જનસામાન્યનો છે, તેઓ જે નિર્ણય લેશે તેને અમે માન આપીશું.

પુતિને આ ટિપ્પણી તે સમયે કરી છે કે જ્યારે બાયડેન વહીવટીતંત્ર ટ્રમ્પની તરફેણમાં ખોટી ખોટી માહિતીઓ ફેલાવવા માટે રશિયા ઉપર નિશાન તાકી રહ્યું છે.

બીજી તરફ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં આ રીતે 'હસ્તક્ષેપ' કરવા માટે અમેરિકાની નેશનલ સિક્યુરીટી કાઉન્સીલના પ્રવકતા જહોન કીર્બીએ પુતિનની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓએ એક કે બીજી તરફ તરફદારી દર્શાવવી ન જોઈએ.


Google NewsGoogle News