પુતિન અમારાં બાળકોની હત્યા કરે ને મોદી શાંતિનો ઉપદેશ આપે એ ના ચાલે : ઝેલેન્સ્કી
- યુક્રેનના પ્રમુખનો ઈન્ટરવ્યૂ ભક્તો માટે લપડાક સમાન
- મોદીએ રશિયાને મદદ બંધ કરીને યુક્રેનના લોકોના મોતનો ખેલ અટકાવવો જોઈએ : યુક્રેનના પ્રમુખ
કીવ : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આડકતરી રીતે નરેન્દ્ર મોદીને કહી દીધું છે કે, પુતિન અમારાં બાળકોની હત્યા કરે ને તમે અમને શાંતિનો ઉપદેશ આપો છો એ નહીં ચાલે. ઝેલેન્સ્કીએ મોદીને પુતિનને યુક્રેન સાથે શાંતિની વાતચીત કરવા માટે તૈયાર કરવાનું કહીને રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ રોકી બતાવવાનો પડકાર ફેંકી દીધો છે.
ભારત રશિયા પાસેથી જંગી પ્રમાણમાં ઓઈલ ખરીદીને આડકતરી રીતે રશિયાના યુક્રેન પરના આક્રમણને મદદ કરી રહ્યું છે એવો આક્ષેપ પણ ઝેલેન્સ્કીએ મૂકી દીધો છે. મોદી રશિયાને મદદ કરીને યુક્રેનિયનોના મોતનો ખેલ ખેલી રહ્યા છે. તેમણે આ ખેલ બંધ કરી દેવો જોઈએ એવું પણ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મોદીને કહી દીધું છે.
ઝેલેન્સ્કીનો ઈન્ટરવ્યૂ મોદીને ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત કરવાના મોદીભક્તોના ફાંફાં પર મોટી લપડાક સમાન છે. ભાજપ અને મોદી સરકાર એવો પ્રચાર કરે છે કે, મોદીના કહેવાથી યુક્રેનમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુધ્ધ બંધ કરી દેવાયું હતું કે જેથી ભારતીય વિદ્યાર્થીએઓ સહીસલામત રીતે બહાર નિકળી શકે. ઝેલેન્સ્કીના ઈન્ટરવ્યૂએ મોદીના દાવાની બધી હવા કાઢી નાંખી છે. મોદીના કહેવાથી યુધ્ધ રોકવાની વાત છોડો પણ ઝેલેન્સ્કીએ તો મોદીની મુલાકાત દરમિયાન જ રશિયાએ હોસ્પિટલો પર કરેલા હુમલાનો મદ્દો ઉઠાવીને પુતિનને મોદી માટે જરાય માન નથી કે તેમની વાત પણ સાંભળતા નથી એ સ્પષ્ટ કરી દીધું છે.