'પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે...' યુક્રેન મુદ્દે કમલા હેરિસ ટ્રમ્પ પર ભડક્યાં

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
'પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે...' યુક્રેન મુદ્દે કમલા હેરિસ ટ્રમ્પ પર ભડક્યાં 1 - image


Image: Facebook

America Presidential Debate: અમેરિકાના ચર્ચિત હાઈ વોલ્ટેજ, તણાવપૂર્ણ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થઈ. આ ચર્ચામાં આકરી ટિપ્પણીઓથી માહોલ ગરમ રહ્યો. આ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધની વાત આવી તો કમલા હેરિસે ટ્રમ્પને કહ્યું કે ‘પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે.’

ટ્રમ્પની પ્રમુખપદની દાવેદારીના જોખમ તરફ અવગત કરતાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે કહ્યું કે ‘જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો પુતિન યુક્રેનની રાજધાની કીવમાં દેખાતા. પુતિનના દબાણ હેઠળ ટ્રમ્પ ઝૂકી જશે. આ પોલેન્ડથી શરૂ થશે અને પુતિન યુરોપના બાકી ભાગો પર નજર રાખશે, તમે તેમના દ્વારા મળેલા ફેવર હેઠળ ઝડપથી હાર માની લેશો. તમે આને મિત્રતા સમજો છો પરંતુ પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે.'

આ ચર્ચા દરમિયાન ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે 'શું તેઓ ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધ જીતે?' ત્યારે ટ્રમ્પે કહ્યું કે ‘હું ઈચ્છું છું કે આ યુદ્ધ રોકાઈ જાય. હું સમજું છું કે અમેરિકા માટે સૌથી શ્રેષ્ઠ એ હશે કે આ યુદ્ધ રોકાઈ જાય.

ટ્રમ્પે દાવો કર્યો કે ‘આ યુદ્ધમાં યુરોપને અમેરિકાની તુલનામાં ખૂબ ઓછી કિંમત ચૂકવવી પડી રહી છે. હું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેને ખૂબ સારી રીતે જાણું છું.’

ટ્રમ્પે અમેરિકન પ્રમુખ જો બાઈડનની ટીકા કરતાં તેમને એક ગેરહાજર રાષ્ટ્રાધ્યક્ષ કહ્યાં. આ અંગે કમલા હેરિસે વળતો હુમલો કરતા કહ્યું કે 'તમે બાઈડન વિરુદ્ધ લડી રહ્યાં નથી, તમે મારા વિરુદ્ધ લડી રહ્યાં છો.'

યુક્રેન યુદ્ધના સવાલ પર કમલા હેરિસે કહ્યું કે ‘યુક્રેનના પ્રમુખ સાથે મારે મજબૂત સંબંધ છે.’ આ ઉપરાંત હેરિસે આરોપ લગાવ્યો કે ‘જ્યારે પુતિન સાથે સંવાદનો વારો આવે છે તો ટ્રમ્પનો વ્યવહાર તુષ્ટિકરણ જેવો હોય છે. જો ટ્રમ્પ અત્યારે સત્તામાં હોત તો પુતિન કીવમાં બેસીને પોલેન્ડથી યુદ્ધ શરૂ કરત અને બાકીના યુરોપ પર નજર રાખતા હોત!'

આ ડિબેટમાં કમલા હેરિસે એ વાત પર ભાર મૂક્યો કે, ટ્રમ્પ ખૂબ ઝડપથી પુતિન સામે ઝૂકી જાય છે.  ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પહેલી વખત ડિબેટ થઈ છે. આ ચર્ચામાં ઇકોનોમી, ઇમિગ્રેશન પોલિસી, ફોરેન પોલિસી, એબોર્શન, હેલ્થ કેર અને અન્ય વિષયોને ઉઠાવવામાં આવ્યા હતા. 


Google NewsGoogle News