ભારત કે મોદીની પુતિનના મનમાં કોઈ ઈજ્જત નથી : ઝેલેન્સ્કી

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ભારત કે મોદીની પુતિનના મનમાં કોઈ ઈજ્જત નથી : ઝેલેન્સ્કી 1 - image


- ભારત સહિત દુનિયાના દેશો રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે : ઝેલેન્સ્કીની અપીલ

- ભારત ઓઈલ ખરીદી રશિયાને જે નાણાં આપે છે તેનો ઉપયોગ પુતિન શસ્ત્રો ખરીદી યુક્રેનમાં નિર્દોષો પર હુમલા માટે કરે છે : ઝેલેન્સ્કી

- પીએમ મોદી મોસ્કોની મુલાકાતે હતા ત્યારે પુતિને યુક્રેનમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર હુમલો કર્યો હતો

- યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની ભારતમાં વૈશ્વિક શાંતિ શિખર મંત્રણા યોજવા વડાપ્રધાન મોદીને દરખાસ્ત

કીવ : યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના યુદ્ધગ્રસ્ત દેશની પહેલી મુલાકાતને ઐતિહાસિક ગણાવવા છતાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી તેની 'વોર ઈકોનોમિક'ને મદદ કરવાનો ભારત પર આક્ષેપ મૂક્યો હતો. ભારતને રશિયાનો સાથ છોડી યુક્રેનની તરફેણ કરવાની હાકલ કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયન પ્રમુખ પુતિનના મનમાં ભારત કે પીએમ મોદીની કોઈ ઈજ્જત નથી. યુક્રેનના શાંતિના પ્રયાસોને સફળ બનાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઝેલેન્સ્કીએ ભારત જ નહીં દુનિયાભરના દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા હાકલ કરી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પૂરી થયા પછી યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારતીય મીડિયાને સંબોધન કર્યું હતું. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાનું કહ્યું છે. સાથે તેમણે દુનિયાના તમામ દેશોને પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા હાકલ કરી હતી. 

ઝેલેન્સ્કીએ કહ્યું કે, ભારત સહિત દુનિયાના દેશો રશિયા પાસેથી ઓઈલની આયાત બંધ કરી દે તો પુતિન સામે બહુ મોટો પડકાર ઉભો થશે. ઓઈલ વેચીને પુતિનને જે અબજો ડોલર મળે છે તે નાણાં રશિયાની આર્મીને અપાય છે. તેનો ઉપયોગ શાંતિ માટે નહીં પણ યુદ્ધ માટે થાય છે, યુક્રેનમાં લોકોની હત્યા કરવા થાય છે. ઝેલેન્સ્કીએ એક રીતે યુક્રેનમાં નિર્દોષોની હત્યામાં પીએમ મોદી પર રશિયાને મદદ કરવાનો આડકતરો આક્ષેપ મૂકી દીધો છે. આમ, પીએમ મોદીની યુક્રેનની મુલાકાત ઐતિહાસિક હોવા છતાં તેનું કોઈ પરિણામ નહીં આવ્યું હોવાના ઝેલેન્સ્કીએ સંકેત આપ્યા છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, યુદ્ધનો અંત અને શાંતિ જ અમારી પ્રાથમિક્તા છે, પરંતુ આ શાંતિ રશિયા નહીં યુક્રેનની શરતો પર સ્થપાશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, પુતિને અમારા માટે તો કશું જ સારું કર્યું જ નથી, અમારા માટે તો પુતિન હત્યારો જ છે પણ પુતિને તમારા માટે શું સારું કર્યું છે ? ભારત માટે શું સારું કર્યું છે ? ઝેલેન્સ્કીએ કટાક્ષ પણ કર્યો કે, અત્યારે સમસ્યા એ છે કે, શાંતિ પુતિન કરતાં મોદી વધારે ઈચ્છે છે. મોદી તો પુતિન સાથે વાત કરે છે. મને ખબર નથી કે પુતિન સાથે મોદી શું વાત કરતા હશે પણ મેં પીએમ મોદીને કહ્યું છે કે, પુતિન સાથે તો તમારે સોદાબાજી થયેલી છે તો હવે પછી પુતિન સાથે વાત કરો ત્યારે પૂછજો કે પુતિનને ક્યા પ્રકારની શાંતિ જોઈએ છે ?  

ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયન પ્રમુખ પુતિન ભારત અથવા તેના નેતા નરેન્દ્ર મોદીનું સન્માન નથી કરતા. ગયા મહિને પીએમ નરેન્દ્ર મોદીની મોસ્કો યાત્રાની શરૂઆત પહેલાં જ પુતિને યુક્રેનમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલાથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે પુતિન માટે ભારત અને તેના નેતાનું કોઈ મહત્વ નથી. 

ઝેલેન્સ્કીએ પીએમ મોદીને ભારતમાં શાંતિ શિખર મંત્રણા યોજવા અને તેમાં તેમના વિચારો રજૂ કરવા દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતે કેટલાક ગ્લોબલ સાઉથ દેશો સાથે ભારતમાં શાંતિ શિખર મંત્રણા યોજવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, અમે હાલમાં બીજી યુક્રેન શાંતિ શિખર મંત્રણા યોજવા માટે વિવિધ દેશો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. પહેલી યુક્રેન શાંતિ શિખર મંત્રણા ગયા વર્ષે જૂનમાં સ્વીટ્ઝર્લેન્ડના લુસેર્નેમાં યોજાઈ હતી, જેમાં ૯૦થી વધુ દેશો અને વૈશ્વિક સંસ્થાઓએ યુક્રેનમાં શાંતિ લાવવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. ભારતે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો, પરંતુ છેલ્લી શાંતિ સમિટમાં જોડાયું નહોતું.

ઝેલેન્સ્કીએ કહ્યું કે, અમને શાંતિ માટે કામ કરવામાં વાંધો નથી. પુતિનના કે તેની ટીમના શાંતિ વિશેના વિચારો હોય તો તેના પર વાત કરવા પણ અમે તૈયાર છીએ. પુતિન સમિટ માટે આવે તો પણ અમે તેને આવકારીશું પણ અમે અમારી જમીન કોઈને નહીં આપીએ, અમને એવી કોઈ દરખાસ્ત મંજૂર નથી કે જેમાં અમારાં લોકો, મૂલ્યો, લોકશાહી, આઝાદીમાં ફેરફાર થવાનો હોય. અમે બીજા કોઈ પણ મુદ્દા વિશે વાત કરી શકીએ છીએ અને મેં નરેન્દ્ર મોદીને સ્પષ્ટ રીતે આ વાત કહી દીધી છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે, પુતિને સત્તાવાર રીતે રશિયાને વોર ઈકોનોમી જાહેર કરી છે તેથી જે અબજો ડોલર રશિયામાં આવી રહ્યા છે એ બધા શાંતિ માટે નહીં પણ યુધ્ધ માટે વપરાઈ રહ્યા છે. ભારત, આરબ દેશો, ચીન વગેરેનાં બજારોમાંથી આવી રહેલા અબજો રૂપિયા યુધ્ધ માટે વપરાઈ રહ્યા છે તેથી પુતિનની પ્રાયોરિટી શાંતિ નહીં પણ યુધ્ધ છે. પુતિનના સૈનિકો માટે જ નહીં પણ રશિયાના અર્થતંત્ર માટે પણ યુધ્ધ પ્રાયોરિટી છે.

રશિયા યુધ્ધ પાછળ અબજો ખર્ચી રહ્યું છે તેથી પુતિનને અહેસાસ થવો જોઈએ કે યુધ્ધ બહુ ખર્ચાળ છે પણ પુતિનને એ અહેસાસ નહીં થાય કેમ કે, પુતિને ત્રીસ વર્ષથી રશિયાને લૂંટીને અબજો ભેગા કર્યા છે. આ અહેસાસ રશિયાની ગરીબ પ્રજાને થવો જોઈએ અને તેમણે પુતિનને યુધ્ધ બંધ કરવાની ફરજ પાડવી જોઈએ પણ  રશિયાની પ્રજા પુતિનના પ્રચાર અને મીડિયા પરના પ્રભાવના કારણે એ વાત સમજી શકતી નથી. રશિયામાં મીડિયા, સોશિયલ મીડિયા સહિત બધા પર પુતિનનો કંટ્રોલ હોવાથી પુતિન બતાવે એ જ તેમને દેખાય છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાના ટીવી પર રોજ પુતિન સ્માર્ટ છે એવું બતાવાય છે પણ પુતિન એટલા સ્માર્ટ નથી એ કહેવાની જરૂર નથી.

મોદી-ઝેલેન્સ્કીની મુલાકાતની વિદેશી મીડિયામાં ચર્ચા

મોદીનો યુક્રેન પ્રવાસ પશ્ચિમના દેશોને શાંત કરવાનો પ્રયત્ન હોઈ શકે : બીબીસી 

- મોદીના પ્રવાસને ઐતિહાસિક ગણાવાયો પરંતુ સંઘર્ષ ખતમ કરવા અંગે કોઈ પહેલ નહીં : લે મોન્ડે

નવી દિલ્હી : રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે જુલાઈમાં બેઠક કર્યાના છ સપ્તાહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાત લીધી હતી. ભારત અને યુક્રેનના વડાઓની બેઠક પર સમગ્ર દુનિયાની નજર હતી. આ મુલાકાતની અમેરિકા, રશિયા, ચીન સહિતના આંતરરાષ્ટ્રીય મીડિયાએ ખૂબ જ ચર્ચા કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ જુલાઈએ રશિયાની મુલાકાત સમયે મોસ્કોમાં રશિયન પ્રમુખ પુતિનને ગળે મળ્યા હતા, જેની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આકરી ટીકા કરી હતી. જોકે, તેના બરાબર ૪૪ દિવસ પછી પીએમ મોદી યુક્રેનના પ્રવાસમાં ઝેલેન્સ્કીને પણ ગળે મળ્યા હતા.

અમેરિકન મીડિયામાં ન્યૂયોર્ક ટાઈમ્સે વડાપ્રધાન મોદીની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. અખબારે 'ભારતીય નેતાનો કીવ પ્રવાસ : યુક્રેન કુટનીતિની દિશામાં એક પગલું' મથાળા હેઠળ લખ્યું કે, પીએમ મોદી રશિયા અને યુક્રેન બંને સાથે તેમના સંબંધોને સાવધાનીપૂર્વક સંભાળી રહ્યા છે. ભારતીય નેતાનો કીવ પ્રવાસ યુક્રેન કુટનીતિની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. બ્રિટનના મીડિયા બીબીસે લખ્યું, વડાપ્રધાન મોદીનો પ્રવાસ હકીકતમાં કૂટનીતિક સંતુલનનું પરીક્ષણ છે. ભારતીય વડાપ્રધાનનો આ પ્રવાસ પુતિન સાથેની એ બેઠક પછી થઈ રહ્યો છે, જેની પશ્ચિમના દેશોએ ટીકા કરી હતી. આ પ્રવાસ પશ્ચિમના દેશોને શાંત કરવાનો મોદીનો પ્રયત્ન હોઈ શકે છે.

ધ ગાર્ડીયને પીએમ મોદીના યુક્રેન પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેણે લખ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની સ્વતંત્રતા પછી પહેલી વખત દેશનો પ્રવાસ કર્યો. સોવિયેત સંઘમાંથી ૧૯૯૧માંથી આઝાદ થયા પછી કોઈપણ ભારતીય નેતાનો આ પહેલો પ્રવાસ છે. જાપાનના નિક્કેઈ એશિયાએ લખ્યું, પશ્ચિમના દબાણ છતાં ભારતે યુક્રેન પર આક્રમણ માટે પારંપરિક સહયોગી અને હથિયારો પૂરા પાડનારા રશિયાની સ્પષ્ટરૂપે ટીકા કરી નથી. તેના બદલે ભારતે વારંવાર રશિયા-યુક્રેનને પરસ્પર વાતચીત અને કૂટનીતિ મારફથ યુદ્ધનો અંત લાવવા પર ભાર મૂક્યો છે. 

ફ્રાન્સના અખબાર લે મોન્ડેએ લખ્યું, ઝેલેન્સ્કીએ મોદીના પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે, પરંતુ કોઈપણ પક્ષે સંઘર્ષ ખતમ કરવા અંગે કોઈ પહેલ કરી નથી. મોસ્કો ટાઈમ્સે આ પ્રવાસની ટીકા કરી હતી. અખબારે લખ્યું, પીએમ મોદીનો પ્રવાસ યુક્રેનના સમર્થનને સંકેત રૂપે જોઈ શકાય છે, પરંતુ તેને પશ્ચિમી દેશોના પ્રતિબંધ છતાં ભારત સાથે રશિયાના વેપાર અને સંબંધોના સંદર્ભમાં પણ જોવો જોઈએ.

યુક્રેનના પ્રમુખે ઓઈલનો મુદ્દો ઉઠાવી ભારતને લાચાર કર્યું

ઝેલેન્સ્કી અંગે સવાલ કરાતાં વિદેશ મંત્રી જયશંકર તતફફ થઈ ગયા

- ઓઈલની ખરીદી ભારતની મજબૂરી નહીં વૈશ્વિક અર્થતંત્ર માટે પણ જરૂરી : વિદેશ મંત્રીનો લૂલો બચાવ

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીની યુક્રેનની યાત્રાને મોદી સરકાર સફળ ગણાવી રહી છે. મોદીએ આ યાત્રા દ્વારા વૈશ્વિક સ્તરે પોતાના પ્રભાવનો પરચો આપ્યો હોવાનું કહીને ગુણગાન ગવાઈ રહ્યાં છે પણ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઝેલેન્સ્કી સાથેની મોદીની મુલાકાત અંગેના સવાલો સાંભળીને ગેંગેફેંફે થઈ ગયા હતા.

ઝેલેન્સ્કીએ મોદીને રશિયામાંથી ઓઈલની આયાત બંધ કરવા કહ્યું છે એવો સવાલ કરતાં જયશંકર જવાબ નહોતા આપી શક્યા. થોડી વાર આમતેમ જોયા પછી તેમણે બીજા પણ સવાલોના જવાબ આપવાના છે એવું કહીને બીજા પત્રકારને સવાલ પૂછવા કહ્યું હતું. 

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણની ભારતે ટીકા કરી નથી એ સવાલના જવાબમાં પણ જયશંકરે કહેલું કે, ભારત બહુ મોટો દેશ હોવાથી ક્રૂડ ઓઈલની જરૂરીયાત વધારે છે. આ સંજોગોમાં ભારત માટે રશિયા પાસેથી ઓઈલ ખરીદવું એ પોલિટિકલ સ્ટ્રેટેજીનો હિસ્સો નથી પણ ઓઈલ સ્ટ્રેટેજીનો હિસ્સો છે.

જયશંકરે દાવો કર્યો કે ભારતે વર્તમાન ક્રૂડ ઓઈલ બજારની સ્થિતિ, ભારત પર પડનારી તેની અસર, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની ભારતની વ્યૂહાત્મક જરૂરિયાત અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરો યુક્રેનના પ્રમુખને સમજાવી છે. આજે અનેક ઉર્જા ઊત્પાદકો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે, જેથી બજારની સ્થિતિ સંભવિતરૂપે ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે. તેથી ક્રૂડ ઓઈલના ભાવ યોગ્ય અને સ્થિર રહે તે દુનિયા માટે જરૂરી છે.


Google NewsGoogle News