ઇઝરાયેલ ઇરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે પુતિને ઇરાનના વડાપ્રધાન રાયસીને ધીરજ રાખવા ફોન કર્યો
- નેતન્યાહૂ પશ્ચિમની શાંતિની સલાહ માનતા નથી
- ઇરાને રશિયાને ડ્રોન અને મિસાઇલ સપ્લાય કરે છે : પુતિન અને ઇબ્રાહીમ રાયસી બંને નિકટના મિત્રો છે
મોસ્કો : ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ નેતન્યાહૂને શાંતિ જાળવવા અપીલ કરી છે પરંતુ તેઓ તેમના મિત્રોની જ વાત સાંભળવા તૈયાર નથી. ઇઝરાયલ ઇરાનને પાઠ ભણાવવાની તક શોધે છે તે હમાસને શસ્ત્રો આપવાનો ઇરાન પર આક્ષેપ કરે છે તે પરિસ્થિતિમાં રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રાયસીને ફોન કરીને સંયમ રાખવા અપીલ કરી છે.
યુક્રેન સાથે લડી રહેલા રશિયાને ઇરાન ડ્રોન અને મિસાઇલ આપે છે. પુતિન અને રાયસી બંને પરસ્પરના મિત્રો છે.
અલ-જજીરાના રિપોર્ટ પ્રમાણે પુતિને રાયસી સાથે મંગળવારે ફોન ઉપર લંબાણપૂર્વક ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચે ૧ એપ્રિલે સીરીયાના પાટનગર દમાસ્કમાં ઇરાનના દૂતાવાસ પર થયેલા ઇઝરાયલના હુમલા પછી ઇરાનની જવાબી કાર્યવાહી અંગે ચર્ચા થઈ.
ક્રેમ્લીન જણાવે છે કે, પુતિને રાયસીને સલાહ આપી હતી કે સંયમ રાખો અને કોઈપણ પ્રકારના ટકરાવ ન કરો. આ સાથે તેઓએ આશંકા દર્શાવી હતી કે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સ્થિતિ વધુ બગડી તો મધ્ય-પૂર્વ માટે વિનાશકારી પરિણામ આવશે.
૧ એપ્રિલે દમાસ્કમાં ઇરાનના દૂતાવાસ ઉપર થયેલા ઇઝરાયલના હુમલામાં ઇરાનના બે ઉચ્ચ લશ્કરી અધિકારીઓ સહિત ૧૩ લોકોના મૃત્યુ થયા હતા. તેના જવાબમાં ઇરાને ૩૦૦થી વધુ ડ્રોન અને મિસાઇલ દાગ્યા. ઇરાને તેને બદલા માટેની કાર્યવાહી તરીકે દર્શાવી હતી.
આ પછી પુતિને પોતાની સાર્વજનિક ટિપ્પણી પ્રસારિત કરતા કહ્યું હતું કે, મધ્ય- પૂર્વમાં વર્તમાન અસ્થિરતાનું મૂળ કારણ ઇઝરાયેલ પેેેલેસ્ટાઇન સંઘર્ષ છે. તેમાં ઇઝરાયલ- ઇરાન યુદ્ધ વિશ્વ માટે નવો ખતરો ઉભો કરશે.
ક્રેમ્લીન જણાવે છે કે, વ્લાદીમીર પુતિને આશા દર્શાવી હતી કે બંને દેશો સંયમ જાળવશે અને સમગ્ર વિશ્વને વિનાશકારી ટકરાવના નવા દૌરમાંથી બચાવશે. ઇબ્રાહીમ રાયસીએ કહ્યું કે, તે સમયે તો તેમનું રીએક્શન અનિવાર્ય હતું પરંતુ સાથે વચન આપ્યું હતું કે, તણાવ વધતો રોકવા તે દરેક પ્રકારે પ્રયાસ કરશે.