Get The App

કિમ જોંગ અને પુતિન વચ્ચેની ડીલથી અમેરિકા-યુક્રેન જેવા દેશોનું ટેન્શન વધ્યું, દુનિયાભરમાં ફફડાટ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
કિમ જોંગ અને પુતિન વચ્ચેની ડીલથી અમેરિકા-યુક્રેન જેવા દેશોનું ટેન્શન વધ્યું, દુનિયાભરમાં ફફડાટ 1 - image


Image Source: Twitter

Agreement Between Russia And North Korea: 24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાના પ્રવાસે પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉન સાથે એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંને દેશ યુદ્ધની સ્થિતિમાં એકબીજાને સૈન્ય મદદ કરશે. 

ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ ગુરુવારે પોતાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે પ્યોંગયાંગમાં થયેલા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરાર બાદ જાણકારી આપી કે ઉત્તર કોરિયા અથવા રશિયામાં કોઈપણ એક દેશ પર આક્રમણ થશે અને જો તેને યુદ્ધની સ્થિતિમાં ધકેલવામાં આવશે તો બીજો દેશ તેને સૈન્ય સહાય પૂરી પાડશે.

અમેરિકા-યુક્રેન જેવા દેશોનું ટેન્શન વધ્યું

બંને દેશો વચ્ચે થયેલા આ કરારની કલમ 4માં એ જોગવાઈ છે કે જો એક દેશ પર હુમલો થાય અથવા તે યુદ્ધની સ્થિતિમાં છે તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે આ કરારની પ્રકૃતિ રક્ષણાત્મક છે. એટલે કે એક દેશ પર હુમલાની સ્થિતિમાં બીજાની સુરક્ષા માટે મદદ કરવાની છે. શીત યુદ્ધના સમાપ્ત થયા બાદ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે થયેલો આ સૌથી મહત્વપૂર્ણ કરાર છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા પોતાની ભૂમિકા વધારશે?

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે, જો રશિયા અથવા ઉત્તર કોરિયા પર હુમલો થાય છે તો બંને એકબીજાને કયા પ્રકારની મદદ કરશે. શું બંને દેશ એક-બીજાની યુદ્ધમાં પોતાના સૈનિકોને લડવા માટે મોકલશે અથવા આ મદદ માત્ર હથિયાર-સૈન્ય સામગ્રી પહોંચાડવા સુધી સીમિત હશે. આ ઉપરાંત જો યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ વધે તો શું તેમાં પણ ઉત્તર કોરિયા પોતાની ભૂમિકા વધારશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આ કરારને બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ સારા પરિવર્તનનું પગલું ગણાવ્યું છે જે સુરક્ષા, વેપાર, રોકાણ, સંસ્કૃતિ અને માનવતાવાદી સહાય જેવા તમામ પાસાઓને સામેલ કરશે.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને યુક્રેન વિરુદ્ધ પુતિનના યુદ્ધમાં સંપૂર્ણ સમર્થન અને સહયોગનું વચન પણ આપ્યું છે. કિમ જોંગે કહ્યું કે બંને દેશો અમેરિકા અને તેના સહયોગીઓ દેશોની સંસ્થાનવાદી અને વિશ્વ પર પ્રભુત્વ કાયમ કરવાની માનસિકતા સામે લડવા માટે પ્રતિબદ્ધ છે.

અમેરિકાને આ વાતનો છે ડર

રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેનો આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને તેના સહયોગી દેશોએ યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા દ્વારા રશિયાને હથિયાર અને દારૂગોળો પૂરો પાડવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાને એ પણ ડર છે કે રશિયાની આર્થિક અને ટેકનિકલ મદદથી ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારો અને મિસાઈલ પ્રોગ્રામને ઝડપથી વધારી શકે છે.

અમેરિકાનું કહેવું છે કે, ઉત્તર કોરિયા રશિયા પાસેથી આર્થિક મદદ અને ટેક્નોલોજી ટ્રાન્સફરના બદલામાં મોસ્કોને યુક્રેનમાં પોતાના યુદ્ધ માટે ખૂબ જ જરૂરી હથિયારો પૂરા પાડે છે, જે કિમના પરમાણુ હથિયારો અને મિસાઈલ પ્રોગ્રામથી ઉભા થયેલા જોખમમાં વધારો કરી શકે છે.

રશિયા અને ઉત્તર કોરિયાએ હથિયારોના લેવડ-દેવડથી ઈનકાર કર્યો છે પરંતુ બંને દેશો સૈન્ય સહયોગને મજબૂત કરવાની સતત હિમાયત કરી રહ્યા છે.

પોતાના શિખર સંમેલન બાદ કિમે કહ્યું કે બંને દેશો વચ્ચે 'ગાઢ મિત્રતા' છે અને આ કરાર તેમની અત્યાર સુધીની સૌથી મજબૂત સંધિ છે જે સબંધોને ગઠબંધનના સ્તર પર લઈ જાય છે. 

પહેલા પણ થયા હતા સુરક્ષા કરાર 

ઉત્તર કોરિયા અને ભૂતપૂર્વ સોવિયેત સંઘે 1961 માં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા જે પ્રમાણે ઉત્તર કોરિયા પર હુમલો થવાની સ્થિતિમાં મોસ્કો માટે સૈન્ય હસ્તક્ષેપ કરવો જરૂરી હતો. યુએસએસઆરના પતન બાદ આ કરાર રદ કરી દેવામાં આવ્યો હતો અને વર્ષ 2000 માં એક નવા કરારે તેનું સ્થાન લીધું હતું. આ કરારમાં પહેલાના કરારની તુલનામાં સુરક્ષા મદદને નબળી કરી દેવામાં આવી હતી.

દક્ષિણ કોરિયાના અધિકારીઓએ જણાવ્યું કે અમે હજુ પણ શિખર સમ્મેલનના પરિણામોનું અર્થઘટન કરી રહ્યા છીએ જેમાં એ પણ સામેલ છે કે, જો ઉત્તર કોરિયા પર હુમલો કરવામાં આવે તો રશિયાની પ્રતિક્રિયા શું હોઈ શકે અને શું નવો કરાર 1961ની સંધિની જેમ જ સુરક્ષા પૂરી પાડવાનું વચન આપે છે. દક્ષિણ કોરિયાના અધિકારીઓએ કરારની વિગતો વિશે ઉત્તર કોરિયાના અહેવાલ પર તાત્કાલિક કોઈ ટિપ્પણી નથી કરી. 



Google NewsGoogle News