પુતિને યુક્રેન પર હાઇપર સોનિક મિસાઈલની ફરી ધમકી આપી
- આ પૂર્વે રશિયાએ યુક્રેનની એનર્જી ગ્રીડ તોડી નાખી હતી પરિણામે યુક્રેનમાં ૧૦ લાખથી વધુ લોકો વીજળી વિના રહ્યા
મોસ્કો : રશિયાએ યુક્રેનની પાવરગ્રીડ તોડી નાખ્યા પછી માત્ર થોડા જ કલાકોમાં યુક્રેન ઉપર હાઈપર સોનિક મિસાઈલ્સ નાખવાની પ્રમુખ પુતિને ધમકી ઉચ્ચારી છે. યુક્રેનની પાવરગ્રીડ તોડી પાડવામાં આવી હોવાથી ૧૦ લાખથી વધુ લોકો વીજળી વગરના રહ્યાં છે.
ગુરૂવારે રશિયાએ ૯૦થી વધુ મિસાઈલ્સ અને ૧૦૦થી વધુ ડ્રોન દ્વારા યુક્રેન ઉપર હુમલા કર્યા હતા. આ માટે કારણ આપતાં રશિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેને તેના પ્રદેશમાં પશ્ચિમે આપેલાં શસ્ત્રાસ્ત્રોથી હુમલા કર્યા હતા, જેના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યાં છે.
રશિયા-યુક્રેન યુદ્ધને આશરે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યાં છે. બંને દેશો નવાં નવાં શસ્ત્રો દ્વારા એકબીજાને મ્હાત કરવા પ્રયત્નો કરી રહ્યાં છે. અને નવ નિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે તે પૂર્વે ફેંસલો લાવવા બંને રશિયા અને યુક્રેન મથી રહ્યાં છે.
પ્રમુખ પુતિન અત્યારે કાઝાખિસ્તાન મુલાકાતે છે. પુતિને આ ધમકી કાઝાખિસ્તાનનાં પાટનગર સાસાનામાં ઉચ્ચારી હતી.
અહીં યોજાયેલી પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે અમે ત્યાં હાઇપર સોનિક મિસાઈલ્સ નહીં વાપરીએ તેમ હું કહેતો નથી.
રશિયાએ પ્રમુખના મહેલ સિવાય કીવનાં લગભગ તમામ મકાનો તોડી પાડયાં છે. જોકે તેણે પ્રમુખનો મહેલ કે સંસદભવન કે તેના કેબિનેટ મંત્રીઓના નિવાસસ્થાનો ધરાવતો વિસ્તાર બાકાત રાખ્યો છે.