આર્થિક સંકટ વચ્ચે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પાછળ પાણીની જેમ કરોડોના ખર્ચાથી લોકોમાં આક્રોશ
King Charles News | હિઝમેજેસ્ટી કિંગ ચાર્લ્સ-થર્ડના રાજ્યાભિષેક માટે આશરે ૯૦.૭ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયો છે. આથી બ્રિટનમાં બબાલ શરૂ થઈ ગઈ છે. બ્રિટનમાં રાજાશાહીનો વિરોધ કરનારાઓએ ગત વર્ષે યોજાયેલા આ કાર્યક્રમમાં થયેલા ખર્ચાનો વિરોધ કર્યો છે.
બ્રિટિશ ગવર્નમેન્ટે પ્રસિદ્ધ કરેલા સત્તાવાર આંકડા પ્રમાણે સંસ્કૃતિ, મીડીયા અને રમત-ગમત વિભાગે આ કાર્યક્રમમાં ભારે ખર્ચા કરાવ્યા છે. તેમણે કુલ મળી ૫૦ મિલિયન પાઉન્ડ વાપર્યા. બીજી તરફ બ્રિટનના ગૃહ મંત્રાલયે આ કાર્યક્રમ માટે સલામતી અને અન્ય વ્યવસ્થા જાળવવા ૨૧.૭ મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો.
મહારાણી એલિઝાબેથ બીજાના ૨૦૨૩માં નિધન પછી, તેઓના પુત્ર ચાર્લ્સને ગાદીપતિ કરાયા. તેઓના રાજ્યાભિષેક સમયે દુનિયાભરના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું હતું.
રાજ્યાભિષેકની પૂર્વ સંધ્યાએ બકીંગહામ પેલેસમાં સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. ઉપરાંત રાજ્યાભિષેક પૂરા ઠાઠમાઠથી કરાયો હતો.
આનો વિરોધ કરનારાઓએ કહ્યું હતું કે, જયારે બાળકોને સ્કૂલમાં મોકલવાના પૈસા નથી હોતા. ત્યારે આટલો ખર્ચ શા માટે કરાય છે.
આ ઉપરાંત, બ્રિટનના રાજાને અન્ય કેટલાએ લાભો મળે છે. તેટલા લાભો યુરોપના અન્ય દેશો, જયાં રાજાશાહી છે, ત્યાંના રાજાઓ કે રાણીઓને મળતા નથી. તેમ પણ કેટલાક વિરોધીઓ કહે છે.
આ સામે કેટલાક કહે છે કે, આ ઠાઠમાઠ બ્રિટનની ભવ્યતા દર્શાવે છે. એક સમયે બ્રિટન વિશ્વની સૌથી પહેલી સત્તા હતું તે કેમ ભૂલો છો.