ટ્રમ્પની હિટલર સાથે તુલના, લોકોએ કહ્યું - અમે ઘણું બધું ગુમાવ્યું, ચૂંટણી સુધી રાહ ન જોઇ શકીએ
USA Protest Against Donald Trump: ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેકડોં શહેરમાં હજારો દેખાવકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની આકરી નીતિઓ વિરૂદ્ધ શનિવારે દેખાવો કર્યા હતા. ન્યૂયોર્કમાં વિરોધીઓએ શહેરની મુખ્ય લાઈબ્રેરીની બહાર એકત્રિત થઈ 'No Kings in America' (અમેરિકામાં કોઈ રાજા નહીં) અને 'Resist Tyranny' (તાનાશાહીનો વિરોધ) જેવા સુત્રોચ્ચાર કરતાં પોસ્ટર અને બેનર લગાવી દેખાવો કર્યા હતાં.
ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિઓનો અમેરિકન્સ દ્વારા જ વિરોધ થઈ રહ્યો છે. તેની ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જોર-જોરથી સુત્રોચ્ચાર કર્યા હતા કે, 'કોઈ ભય નથછી, અમે ઈમિગ્રન્ટ્સનું અહીં સ્વાગત કરીએ છીએ.' આ સુત્રોચ્ચાર અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી ICE (ઈમિગ્રન્ટ્સ એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ)ના વિરોધમાં હતાં. જે ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી અટકાયત કરી રહી છે.
કાયદાના શાસન પર હુમલો
વોશિંગ્ટન ડી.સી.માં દેખાવકારોએ ટ્રમ્પ સરકાર પર બંધારણીય સિદ્ધાંતો, ખાસ કરીને ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળો પાડવાનો આરોપ મૂક્યો હતો. રિપોર્ટ અનુસાર, વ્હાઈટ હાઉસની બહાર દેખાવો કરી રહેલાં 41 વર્ષીય બેન્જામિન ડગલસે જણાવ્યું હતું કે, આ કાયદો શાસન અને નાગરિકો પર અત્યાચાર ન કરવાના મૂળ સિદ્ધાંતો પર સીધો પ્રહાર કરે છે. અમુક લોકોને જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જેથી વિદેશી પ્રત્યે વિરોધ ભડકાવી શકાય અને લાંબા સમયથી ચાલી રહેલા સુરક્ષાના કાયદાને નબળો પાડી શકાય.
અમારી પર મોટું સંકટ
ન્યૂયોર્કના અન્ય એક દેખાવકાર કેથી વેલી (ઉ.વ. 73 વર્ષ)એ જણાવ્યું કે, અમારી પર મોટું સકંટ છે. મારા માતા-પિતાએ હિટલરના ઉદયની જે વાર્તાઓ સંભળાવી હતી, આજે ટ્રમ્પના દોરમાં એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં તફાવત માત્ર આટલો છે કે, ટ્રમ્પ હિટલર અને અન્ય નાઝી નેતાઓની તુલનાએ વધુ મુર્ખ છે. તેમનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે, તેમની પોતાની ટીમમાં ફાટ પડેલી છે.
પબ્લિક હેલ્થ ફંડમાં કપાતનો વિરોધ
બાલ્ટીમોરમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં ઈમ્યૂનોલોજીની પીએચડી વિદ્યાર્થિની 26 વર્ષીય ડેનિએલા બટલરે ટ્રમ્પ સરકાર દ્વારા સાયન્સ અને પબ્લિક હેલ્થ ફંડિંગમાં ઘટાડો કરવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, જ્યારે સાયન્સને નજરઅંદાજ કરવામાં આવે છે, ત્યારે લોકો મૃત્યુ પામે છે.
ટ્રમ્પના લીધે ઘણું ગુમાવ્યું
ટેક્સાસના ગેલ્વેસ્ટનમાં પણ એક નાનાકડાં જૂથે વિરોધ નોંધાવ્યો હતો. 63 વર્ષીય લેખિકા પેટ્સી ઓલિવરે જણાવ્યું હતું કે, હું ચોથી વખત વિરોધ નોંધાવી રહી છું. હું આગામી ચૂંટણી સુધી રાહ જોઈ શકતી હતી, પરંતુ ટ્રમ્પના કારણે અત્યારે જ અમે ઘણું બધુ ગુમાવી ચૂક્યા છીએ. હવે ચૂપ રહી શકાય તેમ નથી. સાન ફ્રાન્સિસ્કોના દરિયા કાંઠે સેકડોં લોકો રેતી પર 'IMPEACH + REMOVE' (મહાભિયોગ હટાવો) લખી વિરોધ નોંધાવી રહ્યા છે. અમુક લોકોએ અમેરિકાનો ઊંધો ઝંડો ફરકાવી વિરોધ નોંધાવ્યો છે. જે પારંપારિક રીતે સંકટનું પ્રતિક છે. 50501 નામના જૂથે પણ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કર્યો છે. આ જૂથ 50 રાજ્યોમાં 50 દેખાવો અને એક આંદોલન કરી રહ્યું છે. દેશભરમાં લગભગ 400 દેખાવોની યોજના બનાવી છે.